આટલો ઊંચો થોર કદી જોયો છે?
ઊંચો થોર
કૅક્ટસને ગુજરાતીમાં થોર કહેવાય છે. કૅક્ટસનું વર્ણન જેના પર પુષ્પો ખીલે એવી એક વનસ્પતિ તરીકે કરવામાં આવ્યું છે, પરંતુ સર્વસાધારણ સમજ પ્રમાણે થોરને ખેતરો ફરતેની વાડ બનાવવામાં વપરાતી કાંટાળી વનસ્પતિ ગણવામાં આવે છે. શહેરી ફૅશનપરસ્તો અને ચિત્રકારો-હસ્તકલાકારો પણ ઘરમાં કે આંગણે કૅક્ટસનાં કૂંડાં રાખે છે. થોર કે કૅક્ટસ વિશે વિશ્વના વિવિધ પ્રાંતોમાં જુદી-જુદી માન્યતાઓ પ્રવર્તે છે. આજકાલ જપાનની રાજધાની ટોક્યોના ઉપનગર તાકિનગાવામાં ત્રણ માળના એક મકાનની પાસે ઊગેલા અસાધારણ ઊંચાઈ ધરાવતા કૅક્ટસની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે. તસવીરમાં મકાનની બાજુમાં લીલા થાંભલા જેવો ઊંચો થોર લોકોનું ધ્યાન ખેંચે છે.
યાંગ નામના નેટિઝને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં થોર ઊંચા અને લીલાછમ હોવાથી કોઈ એ થોરની કાળજી રાખતા હોવાનું મનાય છે. ટ્વિટર યુઝર યાંગે પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં થોરનો થાંભલો ત્રણ માળના મકાનની સમાંતરે એ મકાન કરતાં ઊંચો થયો છે. મકાન દસ મીટર ઊંચું છે અને કૅક્ટસ એના કરતાં સહેજ ઊંચું છે. થોરની ઊંચાઈના વિશ્વ વિક્રમની સ્પર્ધામાં એ કૅક્ટસ આવી શકે કે નહીં એની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ૧૯૯૫માં સૌથી ઊંચા કૅક્ટસ તરીકે જેની નોંધ કરી છે એ મેક્સિકોના જાયન્ટ કાર્ડન કૅક્ટસની ઊંચાઈ ૧૯.૨ મીટર છે.