અમેરિકાના યુટાહના રણપ્રદેશમાં મળેલા ધાતુના આ થાંભલાનું રહસ્ય હજીય અકબંધ
થાંભલો
અમેરિકાના યુટાહ સ્ટેટના ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટીનું હેલિકૉપ્ટર ખડકાળ રણપ્રદેશની ઉપર ભમતું હતું ત્યારે નીચે થાંભલા જેવા આકારનો ધાતુનો ટૂકડો જોવા મળ્યો હતો. એ શું છે અને શા માટે અને કેવી રીતે ત્યાં આવ્યો એ રહસ્યમય બાબત છે.
ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટીનું હેલિકૉપ્ટર ડિવિઝન ઑફ વાઇલ્ડ લાઇફ રિસોર્સિસને બિઘોમ જાતિના ઘેટાની ગણતરીમાં મદદ કરતું હતું ત્યારે લગભગ ૧૨ ફુટ ઊંચો ચતુષ્કોણીય ધાતુનો થાભલો ખડકાળ રણપ્રદેશની ભૂમિમાંથી ઊપસી આવ્યો હોય એ રીતે દેખાયો હતો. હેલિકૉપ્ટર નીચે ઉતારીને બધાએ નિરીક્ષણ કર્યું તો કઈં ન સમજાયું. બહુ વિચિત્ર લાગ્યું અને કઈં ન સમજાયું, પરંતુ વિજ્ઞાનકથાઓની ઘેલછા ધરાવતા લોકો ત્યાં ધસી જાય અને અજાણ્યા પ્રદેશમાં તેમને ઈજા થવાની શક્યતા જાણીને હેલિકૉપ્ટર-ક્રૂએ એ ધાતુના ટુકડાનું સ્થાન જાહેર કર્યું નથી. જોકે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર આ માહિતીની ચર્ચા થતાં ઉત્સાહીઓએ તેના ઠેકાણાનો અંદાજ બાંધવા અને સગડ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.