ઉત્તર કૅરોલિનામાં રહેતા મિસ્ત્રી સાથે તો ‘ઉપરવાલા જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ’ સાચું પડ્યું. મિસ્ત્રીકામ કરતા જેરી હેક્સને બાવીસમી ઑક્ટોબરે સ્પીડવે નામની દુકાનની બહાર પાર્કિંગમાં ૨૦ ડૉલર એટલે કે ૧૬૦૦ રૂપિયાની નોટ મળી
પ્રતીકાત્મક તસવીર
આપણે કહીએ છીએ, પણ ઉત્તર કૅરોલિનામાં રહેતા મિસ્ત્રી સાથે તો ‘ઉપરવાલા જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ’ સાચું પડ્યું. મિસ્ત્રીકામ કરતા જેરી હેક્સને બાવીસમી ઑક્ટોબરે સ્પીડવે નામની દુકાનની બહાર પાર્કિંગમાં ૨૦ ડૉલર એટલે કે ૧૬૦૦ રૂપિયાની નોટ મળી. તેમણે એ નોટમાંથી લૉટરીની ટિકિટ ખરીદી. એ ટિકિટમાં જેરીભાઈને ૧ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૮.૪૦ કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું. આટલી બધી રકમ લેવા માટે કંપનીએ તેમને બે વિકલ્પ આપ્યા. એક તો ૨૦ વર્ષ સુધી દર વર્ષે ૫૦,૦૦૦ ડૉલર મળે અને બીજા વિકલ્પમાં બધેબધી રકમ મળે. જોકે તેમણે બધી રકમ લેવાનું નક્કી કર્યું છે. આ રકમમાંથી તેઓ પરિવારને મદદ કરશે અને ૫૬ વર્ષ સુધી મિસ્ત્રીકામ કર્યા પછી હવે નિવૃત્ત થવાની ગણતરી કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે જેરીભાઈ આ લૉટરી નહોતા લેવાના, પણ તેમને જે જોઈતી હતી એ નહોતી મળી એટલે આ ટિકિટ તેમણે લીધી હતી.

