માંદી મહિલાને સાજી કરવા માટે હાથમાં સળગતી દીવાની વાટ રાખી, કપાળે ગરમ કરેલા સિક્કા ચોંટાડ્યા અને લોખંડની સાંકળથી તેને માર માર્યો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં અંધવિશ્વાસને કારણે બાવીસ વર્ષની ઉર્મિલા નામની પરિણીત મહિલા સાથે ઝાડફૂંકના નામે અમાનવીય અત્યાચાર થયો. કોઈએ એવું કહેલું કે મહિલા માંદી રહે છે એનું કારણ એ છે કે તેના પર કોઈ ભૂતપ્રેતનો ઓછાયો છે, આ ઓછાયો ત્યારે જ દૂર થશે જ્યારે તેને પીડા આપવામાં આવશે. આ અંધશ્રદ્ધાને કારણે મહિલા પર એક પછી એક અત્યાચારો કરવામાં આવ્યા. શ્રીવચ નામના ગામની આ ઘટનામાં મહિલાને સુવાડીને તંત્ર અને મંત્ર બોલવામાં આવ્યા. તેની હથેળીમાં સળગતી દીવાની વાટ રાખી, ભૂતને ભગાવવા માટે લોખંડની સાંકળથી મહિલાને મારી. આગમાં સિક્કા ગરમ કરીને એને કપાળ પર ચિપકાવ્યા. દરદથી કરાંજતી મહિલા અઢી કલાક સુધી સહેતી રહી. આખરે તે બેભાન થઈ ગઈ એટલે તંત્રમંત્ર કરનારા ત્યાંથી ભાગી ગયા. એ પછી પણ આખી રાત તે પીડાઈ. બીજા દિવસે સવારે ઉર્મિલાના પરિવારજનો તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. મહિલા સાજી થઈને પિયર જતી રહી અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


