સાઇબર ગઠિયાઓએ નકલી ઈ-મેઇલ ID બનાવી ખાતામાંથી ૨,૪૭,૫૧૫ રૂપિયા ઉપાડી લીધા
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસ મુખ્યાલયમાં કાર્યરત ૩૯ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલના નામે બોગસ ઈ-મેઇલ ID બનાવીને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો. ગઠિયાઓએ બનાવટી ઈ-મેઇલ IDના આધારે નવું સિમ કાર્ડ મેળવ્યું હતું. નવા નંબરની મદદથી પોલીસ-કૉન્સ્ટેબલનાં બન્ને બૅન્ક-અકાઉન્ટમાંથી સાઇબર ગઠિયાઓએ કુલ ૨,૪૭,૫૧૫ રૂપિયા ઉપાડી લીધા હતા. કાસરવડવલી પોલીસે શુક્રવારે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ મામલે પોલીસ-કૉન્સ્ટેબલના બૅન્ક-અકાઉન્ટમાંથી પૈસા ઊપડ્યા બાદ કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી છે, એની તપાસ કરતાં પોલીસની ટેક્નિકલ ટીમને આશરે ૧૫ દિવસ લાગ્યા હતા.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
થાણે પોલીસ મુખ્યાલયમાં કાર્યરત અને ઘોડબંદર રોડ વિસ્તારમાં રહેતા પોલીસ કૉન્સ્ટેબલના મોબાઇલમાંથી ૧૮ ઑગસ્ટે નેટવર્ક ઊડી જતાં તેમણે ૨૦ ઑગસ્ટે ટેલિકૉમ કંપનીની ગૅલરીમાં જઈને નવું સિમ કાર્ડ લઈ ફોન ચાલુ કર્યો હતો.
ગૅલરીમાંથી નવું લીધેલું સિમ કાર્ડ પણ ૨૫ ઑગસ્ટે રાતે બંધ પડી ગયું હતું. જોકે એ સમયે ગણેશોત્સવના બંદોબસ્તમાં હોવાથી તેઓ ગૅલરીમાં જઈ શક્યા નહોતા. ૧ સપ્ટેમ્બરે ફરીથી ગૅલરીમાં જઈ બંધ થઈ ગયેલા સિમ કાર્ડ વિશે તપાસ કરતાં ટેક્નિકલ કારણથી સિમ કાર્ડ બંધ થઈ ગયું હોવાનું જણાવીને ગૅલરીમાંથી તેમને ફરી પાછું નવું સિમ કાર્ડ આપવામાં આવ્યું હતું.
પોલીસ મુખ્યાલયમાં ફરજ દરમ્યાન પૈસાની જરૂર પડતાં બીજી સપ્ટેમ્બરે ATMમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતાં બન્ને બૅન્ક-અકાઉન્ટમાં માત્ર ૨૪ રૂપિયા બચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
કોણે અને કઈ રીતે ખાતામાંથી પૈસા કાઢ્યા હોવાની માહિતી તપાસતાં ઑનલાઇન ઍપ્લિકેશનના માધ્યમથી પૈસા ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. જોકે કઈ રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા એની ચોક્કસ માહિતી ન મળતાં ઘટનાની જાણ કાસારવડવલી પોલીસ-સ્ટેશનને કરવામાં આવી હતી.
થાણે પોલીસની ટેક્નિકલ ટીમે આ મામલે ૧૫ દિવસ ઝીણવટભરી તપાસ કરતાં માહિતી મળી હતી કે પોલીસ-કૉન્સ્ટેબલના નામે નવો ઈમેઇલ-ID તૈયાર કરીને એ IDથી ટેલિકૉમ કંપનીને મેઇલ મોકલી નવા ઈ-સિમ કાર્ડની માગણી કરવામાં આવી હતી.
આ માગણી અનુસાર ઑગસ્ટના અંતમાં પોલીસ-કૉન્સ્ટેબલના ફોનમાં રહેલું સિમ કાર્ડ બંધ કરી ઈ-સિમ સંબંધી માહિતી મેઇલમાં આપવામાં આવી હતી અને એનો ઉપયોગ કરીને સાઇબર ગઠિયાઓએ પોલીસ-કૉન્સ્ટેબલના બૅન્ક-અકાઉન્ટનું ઍક્સેસ મેળવી ઑનલાઇન પૈસા ઉપાડી લીધા હતા.


