બ્રાઝિલમાં ઇટામારાકા આઇલૅન્ડ પર રહેતી મા-દીકરીની જોડીએ આ કચરાનો અદ્ભુત ઉપયોગ કરીને સહેલાણીઓને જોણું મળે એવો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે
જૂની કાચની બૉટલો, ટૂથપેસ્ટની ટ્યુબ્સ વગેરેનો ઉપયોગ કરીને ૭ રૂમવાળું ઘર બનાવી દીધું
દરેક દેશ ઇચ્છે છે કે બીજા દેશોમાંથી સહેલાણીઓ આવે. જોકે સહેલાણીઓના ગયા પછી કુદરતને થયેલું નુકસાન જોઈને હૈયું બળી જતું હોય છે. બ્રાઝિલમાં ઇટામારાકા આઇલૅન્ડ પર રહેતી મા-દીકરીની જોડીએ આ કચરાનો અદ્ભુત ઉપયોગ કરીને સહેલાણીઓને જોણું મળે એવો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે. આ આઇલૅન્ડ પર પ્લાસ્ટિકનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે, પરંતુ એને કારણે દરેક ટૂરિસ્ટ-સીઝન પછી સમુદ્રકિનારે કાચની બૉટલોનો ઢેર લાગી જતો હતો. કોરોનાની મહામારી દરમ્યાન સહેલાણીઓ ખૂબ ઓછા થઈ ગયેલા ત્યારે પંચાવન વર્ષની એડના અને તેની દીકરી મારિયાએ કચરાના ઢેરમાં પડેલી કાચની બૉટલોને રીસાઇકલ કરવાનો પ્લાન બનાવ્યો. મારિયા સસ્ટેનેબલ ફૅશન-ડિઝાઇનર છે અને તેણે પોતાની રીતે ઘરમાં પડેલા જૂના કચરાના ઢેરને રીસાઇકલ કરીને એમાંથી કંઈક ક્રીએટિવ બનાવવાનું પ્લાનિંગ કર્યું. તેણે કાચની બૉટલોમાંથી એવું ઘર તૈયાર કર્યું જેને દિવસ દરમ્યાન લાઇટની જરૂર નથી પડતી. જૂની કાચની બૉટલો, ટૂથપેસ્ટની ટ્યુબ્સ વગેરેનો ઉપયોગ કરીને તેમણે ૭ રૂમવાળું ઘર બનાવી દીધું. દરેક રૂમની દીવાલમાં કાચની બૉટલ્સ છે અને છત ટૂથપેસ્ટની ટ્યુબમાંથી બની છે. લાકડાનું તમામ ફર્નિચર રીસાઇકલ કરેલા લાકડામાંથી બન્યું છે. માટીમાંથી બનેલા આ ઘરને તેમણે સૉલ્ટ હાઉસ નામ આપ્યું છે. એડના અને મારિયાનું કહેવું છે કે બ્રાઝિલમાં ૫૮ લાખ લોકો બેઘર છે ત્યારે શું આપણે કચરાનો ઉપયોગ કરીને તેમના માટે સસ્તું અને સુંદર ઘર ન બનાવી શકીએ? હવે તો આ ઘરમાં તમે રહી પણ શકો એમ છો કેમ કે એ Airbnb પર ટૂરિસ્ટો માટે ઓપન છે.


