વધુ પડાવવા ગયો એમાં પકડાઈ ગયો
૩૨ વર્ષના હેમંત કુમાર
અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં ૩૨ વર્ષના હેમંત કુમાર મુનેપ્પા નામના ભારતીય મૂળના પુરુષની ભવિષ્યકથનની સર્વિસ ઑફર કરવા અને ૬૮ વર્ષની એક મહિલા પાસેથી ૨૦,૦૦૦ ડૉલર (આશરે ૧૭.૨૩ લાખ રૂપિયા) વસૂલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હેમંત ‘અંજના જી’ નામની એક કંપની સાથે સંકળાયેલો છે જે દુષ્ટ આત્મા દૂર કરવા અને કોઈના પર કામણ કરવા જેવી સેવાઓ પ્રદાન કરવાનો દાવો કરે છે.
ભવિષ્યકથન જાણવા ઇચ્છતી મહિલાએ આ મહિનાની શરૂઆતમાં તેની સર્વિસ માટે ૨૦,૦૦૦ ડૉલર ચૂકવ્યા હતા. તેણે હેમંત પાસેથી થોડી વધુ સર્વિસ માગી હતી ત્યારે હેમંતે બીજા ૪૨,૦૦૦ ડૉલર (આશરે ૩૫ લાખ રૂપિયા) માગ્યા હતા. મહિલા તેના પર વિશ્વાસ કરીને પૈસા ઉપાડવા અને તેને ચૂકવવા માટે બૅન્કમાં લઈ ગઈ હતી. જોકે બૅન્કના સ્ટાફને શંકા જતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આમ હેમંત મુનેપ્પાની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ન્યુ યૉર્ક રાજ્યના કાયદા હેઠળ જો ફી લઈને ભવિષ્યકથન કરવામાં આવે તો એ ગેરકાયદેસર છે. શ્રાપના પ્રભાવને દૂર કરવાનો દાવો, આધ્યાત્મિક ઉકેલ પ્રદાન કરવા અથવા ભવિષ્યની આગાહી કરીને પૈસા વસૂલવા એને ગુનો ગણવામાં આવે છે.


