સ્કાય તેમના માટે સંતાન જેવો છે અને એ માટે તેમણે ૧૫ લાખ રૂપિયા અને છ મહિનાની ભાગદોડ વેઠી લીધી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પાલતુ કૂતરાને પોતાની સાથે ઑસ્ટ્રેલિયા લઈ જવા હૈદરાબાદી યુગલે છ મહિના દુબઈમાં બોર્ડિંગમાં મૂક્યો, કુલ ૧૫ લાખ રૂપિયા ખર્ચ્યા
પોતાને ત્યાં પાળેલા ડૉગીને પરિવારનો સભ્ય માનવાનું સહેલું છે, પરંતુ એ ડૉગી માટે પરિવારના એક સદસ્ય જેટલી જ સંવેદનશીલતા જાળવવામાં આવે એવું ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે કોઈ પરિવાર એક દેશથી બીજા દેશમાં શિફ્ટ થાય ત્યારે પેટ ડૉગ્સને કાં તો બીજાને દત્તક આપી દેવામાં આવે કાં પછી કોઈ સામાજિક સંસ્થાને સોંપી દેવાય. જોકે હૈદરાબાદમાં રહેતા એક યુગલે પોતે પાળેલા સ્કાય નામના ડૉગીને પોતાની સાથે ઑસ્ટ્રેલિયા લઈ જવાનું નક્કી કર્યું. ભલે મોંઘું હોય, પરંતુ ડૉગીઝ હવે ઍર ટ્રાવેલ કરી શકે છે; પણ કૂતરાને ઑસ્ટ્રેલિયા લઈ જવાનું અઘરું હતું. જોકે એ તમામ કઠણાઈઓ પાર કરીને યુગલે સ્કાયને પોતાની પાસે લઈ આવવા માટે ૧૫ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. ઑસ્ટ્રેલિયામાં સખત નિયમોને કારણે યુગલની મુશ્કેલીઓ વધી હતી. ભારતથી સીધા ડૉગીને ત્યાં લઈ જવાની પરવાનગી નહોતી, કેમ કે નિયમ મુજબ ડૉગીએ છ મહિના માટે રૅબીઝ-ફ્રી દેશમાં રહેવું જરૂરી હતું. એ માટે યુગલે સ્કાયને પહેલાં ભારતથી દુબઈ મોકલ્યો. અહીં તે બોર્ડિંગ ફૅસિલિટીમાં છ મહિના રહ્યો. સ્કાય દુબઈમાં સેટ થઈ શકે એ માટે યુગલ એની સાથે દુબઈમાં એક મહિનો રહ્યું. એ પછી ત્યાંના માહોલમાં ઢળી ગયેલા સ્કાયને બાકીના પાંચ મહિના ત્યાં રહેવા દીધો. જોકે એ દરમ્યાન પણ યુગલ રોજ એની સાથે વિડિયો-કૉલ કરીને વાતો કરતું. આખરે છ મહિના પૂરા થયા પછી સ્કાયને ઑસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો. કપલનું કહેવું છે કે પૈસા તો બીજી વાર કમાઈ શકાશે, પરંતુ સંબંધો અને પ્રેમ એમ ન છૂટે. સ્કાય તેમના માટે સંતાન જેવો છે અને એ માટે તેમણે ૧૫ લાખ રૂપિયા અને છ મહિનાની ભાગદોડ વેઠી લીધી.


