આ વિડિયો પરથી હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ દરદી કઈ હૉસ્પિટલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો અને તેને આવી હાલતમાં બહાર લઈ જવાની પરવાનગી કોણે આપી?
હૉસ્પિટલાઇઝ્ડ દોસ્તને ગ્લુકોઝના બાટલા સાથે બે ભાઈબંધ બાઇક પર ફરવા લઈને નીકળી પડ્યા
ગ્વાલિયરમાં એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે એમાં ૩ યુવક બાઇક પર ફરી રહ્યા છે. એમાં વચ્ચે જે યુવક બેઠો છે તેના હાથમાં ગ્લુકોઝનો બાટલો ચડાવાઈ રહ્યો છે. કહેવાય છે કે બે ભાઈબંધ હૉસ્પિટલમાં ભરતી થયેલા દોસ્તને લઈને બાઇક પર ફરવા નીકળ્યા હતા. ૧૬ જ સેકન્ડનો આ વિડિયો ગ્વાલિયરના ચંદ્રવદની વિસ્તારનો છે એવી પણ ખબર પડી છે, પરંતુ એ કઈ હૉસ્પિટલના દરદીનો છે એ ખબર નથી પડી. ગ્લુકોઝની ડ્રિપ સાથે જ દરદીને લઈને નીકળી પડેલા તેના દોસ્તો શહેરમાં તેને ફેરવીને પાછા હૉસ્પિટલમાં મૂકી ગયા હોવાનો દાવો થાય છે. બીમાર યુવકને હૉસ્પિટલમાં કંટાળો આવતો હતો એટલે તેણે ફોન કરીને દોસ્તોને મળવા બોલાવ્યા હતા. તેના દોસ્તો આવ્યા અને તેને લઈને બાઇક પર ફરવા લઈ ગયા. થોડીક વાર રાતના અંધારામાં રોડ પર ચક્કર લગાવીને તેઓ દરદીને પાછો હૉસ્પિટલમાં મૂકી ગયા હતા. આ વિડિયો પરથી હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ દરદી કઈ હૉસ્પિટલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો અને તેને આવી હાલતમાં બહાર લઈ જવાની પરવાનગી કોણે આપી?


