માથાના વાળ પછી હવે ચીનમાં મહિલાઓ બગલના વાળને પણ પીળા, વાદળી, ગુલાબી, ગોલ્ડન અને નિયોન રંગોમાં રંગી રહી છે. સોશ્યલ મીડિયા પર શરૂ થયેલા આ અનોખા બ્યુટી ટ્રેન્ડમાં મહિલાઓ રંગીન અન્ડરઆર્મ હેરને શોખથી ફ્લૉન્ટ પણ કરી રહી છે.
ચીની મહિલાઓમાં અન્ડરઆર્મ્સના વાળને કલર કરવાનો નવો ટ્રેન્ડ
માથાના વાળને જાતજાતના રંગે રંગવાનો ટ્રેન્ડ ચાલે છે. બ્લુ, રેડ, બરગંડી, ટર્કોઇશ અને નિયોન કલર્સ પણ એમાં આવી જાય. માથાના વાળને રંગવામાં કોઈ નવાઈ નથી રહી. જોકે હવે ચીનમાં મહિલાઓ અન્ડરઆર્મ્સના વાળ રંગી રહી છે. વિશ્વભરમાં મહિલાઓ અન્ડરઆર્મ્સને સ્મૂધ અને હેર-ફ્રી હોય એને બ્યુટીનું સ્ટાન્ડર્ડ માને છે ત્યારે ચીનમાં અવળી ગંગા છે. અહીંની મહિલાઓ બગલના વાળને પીળા, વાદળી, ગોલ્ડન કે પછી ઊડીને આંખે વળગે એવા નિયોન રંગોથી કલર કરવા લાગી છે. એટલું જ નહીં, સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી વખતે આવા વાળને ખૂબ શોખથી ફ્લૉન્ટ કરતી પણ જોવા મળે છે. આ માટે યુવતીઓ પહેલાં બગલના વાળને બ્લીચ કરે છે અને પછી ગુલાબી, વાદળી, પીળા રંગોથી રંગે છે. મોટા ભાગની મહિલાઓએ સોશ્યલ મીડિયા પર એકમેકનું જોઈને તો કોઈકે પૉપસિંગર લેડી ગાગાનું જોઈને બગલના વાળ રંગવાનું વિચાર્યું હતું.
