પોલીસ તરફથી ખાસ ત્વરિત પગલાં લેવાયાં નહીં. યુગલે કાર પર લગાવેલા ઍરટૅગને ટ્રૅક કરીને એ કાર અત્યારે ક્યાં છે એ શોધી કાઢ્યું
જૅગ્વાર કાર
બ્રિટનમાં પિરી અને સિમ્પ્સન નામના એક યુગલની જૅગ્વાર કાર ચોરાઈ ગઈ. તેમણે તરત જ આ વિશે પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ પોલીસ તરફથી ખાસ ત્વરિત પગલાં લેવાયાં નહીં. યુગલે કાર પર લગાવેલા ઍરટૅગને ટ્રૅક કરીને એ કાર અત્યારે ક્યાં છે એ શોધી કાઢ્યું. આ લોકેશન ખબર પડ્યા પછી તેમણે ફરીથી પોલીસને જાણ કરી કે ઍરટૅગના લોકેશન પરથી કાર શોધી કાઢી છે, બસ હવે એ કારને રિકવર કરવા માટે ચાલો. જોકે એ વખતે પણ પોલીસે ઠંડો જવાબ આપ્યો. પોલીસે વ્યસ્તતાનું કારણ આપીને હમણાં નહીં આવી શકાય એવું કહી દીધું એટલે યુગલે જાતે જ કાર પાસે પહોંચી જવાનું નક્કી કર્યું. ઍરટૅગ જ્યાં લોકેશન બતાવતું હતું એ જગ્યાએ કાર મળી ગઈ. એને કાર્પેટથી ઢાંકી દેવાઈ હતી અને એના કેટલાક વાયર્સ પણ છૂટા પાડી દેવામાં આવ્યા હતા. જોકે આ યુગલે છુપાઈને ફરીથી એ વાયરો જૉઇન કરીને કાર ત્યાંથી ‘ચોરી’ લીધી હતી. સિમ્પ્સને પોતાના આ અનુભવને લિન્ક્ડઇન પર શૅર કર્યો હતો. લખ્યું હતું કે ‘પોતાની ચોરાયેલી કાર ચોરવાની મજા આવી. જોકે મને આશ્ચર્ય થાય છે કે આવું કરવું સહી હતું? પોલીસને આ કામમાં કોઈ રસ નહોતો એ ઠીક છે?’

