હૈદરાબાદના નેહરુ ઝોઓલૉજિકલ પાર્કમાં પણ સ્વાસ્થ્યનાં કારણોસર પ્રાણીઓ વીકમાં એક વાર ઉપવાસ કરે છે
નેહરુ પ્રાણીસંગ્રહાલય
ઉપવાસની પરંપરા સ્વાસ્થ્યનાં કારણોથી પડી હતી. એ વાત માણસો માટે જ નહીં, પ્રાણીઓ માટે પણ એટલી જ સાચી છે. હૈદરાબાદના નેહરુ ઝોઓલૉજિકલ પાર્કમાં પણ સ્વાસ્થ્યનાં કારણોસર પ્રાણીઓ વીકમાં એક વાર ઉપવાસ કરે છે. આ નિયમ સિંહ, વાઘ, દીપડાને પણ લાગુ પડે છે. જોકે પ્રાણીઓનો ઉપવાસ નકોરડો નથી હોતો. એમને હળવું ભોજન આપવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રાણીઓના પાચનતંત્રને આરામ આપવા માટે દર શુક્રવારે એમને ઉપવાસ કરાવાય છે અને એમાં એમને માંસ કે ચિકનને બદલે દૂધ આપવામાં આવે છે. ઓછું ખાવાનું આપવાથી પ્રાણીઓના શરીર પર શું અસર પડે છે એની નાનામાં નાની નોંધ લેવામાં આવે છે. કોઈ હાથી ખાવાની ના પાડે તો એના મળ-મૂત્રના વ્યવહારમાં કોઈ બદલાવ છે કે નહીં એ ચકાસવામાં આવે છે. પ્રાણીઓને ખવડાવવા માટે માંસ, ચિકન, ઈંડાં, ફળો, શાકભાજી, ઘાસ એમ અનેક વસ્તુઓ રોજ ફ્રેશ લાવવામાં આવે છે. દરેક પ્રાણીનો એક અલગ ડાયટ-ચાર્ટ હોય છે. જેમ કે જિરાફને રોજ ૭૦ કિલો ફળ અને શાકભાજી જોઈએ છે. જૅગ્વાર કે દીપડાને સવારે દૂધમાં ચિકન અને કાચા ઈંડાં તેમ જ સાંજે છ કિલો માંસ અપાય છે. હાથીને રોજ ૩૦૦ કિલો ભોજન જોઈએ છે. એમાં ૧૫૦ કિલો ઘાસ, ૨૫ કિલો શેરડી, પાંચ કિલો પત્તાં, એક કિલો ગોળ, ફળ, ગાજર, કોબી કે કંદ જેવી ચીજો અપાય છે. નેહરુ પ્રાણીસંગ્રહાલયમાં દર અઠવાડિયે ફાસ્ટિંગ ફ્રાઇડે હોય છે જેમાં દરેક પ્રાણીને એની જરૂરિયાત કરતાં ઓછું અને પચવામાં હલકું જ ખાવાનું આપવામાં આવે છે.


