મહિલાએ ટૅક્સીનો નંબર પણ શૅર કર્યો હતો, તેની પોસ્ટનો જવાબ આપતાં મુંબઈ પોલીસે મહિલાને ડાયરેક્ટ મેસેજમાં વધુ વિગતો શૅર કરવા કહ્યું હતું
છેતરપિંડી કરનાર કૅબ-ડ્રાઇવર
એક ફૉરેનરને મુંબઈ આવતાં જ મુંબઈના કૅબ-ડ્રાઇવરનો કડવો અનુભવ થયો હતો. આ બનાવ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અનેક લોકોએ પોલીસ-કાર્યવાહીની માગણી કરી છે. ફરિયાદ મુજબ મુંબઈ ઍરપોર્ટ પર કૅબ-ડ્રાઇવરે આ મહિલા પાસેથી માત્ર ૪૦૦ મીટર દૂર આવેલી એક હોટેલમાં જવા માટે ૧૮,૦૦૦ રૂપિયા વસૂલ કર્યા હતા.
મહિલાએ જણાવ્યું હતું કે મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા પછી તેણે હિલ્ટન હોટેલ જવા માટે કૅબ લીધી હતી. ડ્રાઇવર અને તેની સાથે કૅબમાં બેઠેલી અન્ય એક વ્યક્તિ મહિલાને હોટેલમાં પહોંચાડવાને બદલે કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા અને પછી તેને હોટેલમાં ઉતારી હતી.
ADVERTISEMENT
મહિલાએ કહ્યું હતું કે માત્ર ૪૦૦ મીટર દૂર આવેલી હોટેલમાં મૂકવા માટે મારી પાસેથી ૨૦૦ ડૉલર એટલે કે ૧૮,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા.
મહિલાએ ટૅક્સીનો નંબર પણ શૅર કર્યો હતો. તેની પોસ્ટનો જવાબ આપતાં મુંબઈ પોલીસે મહિલાને ડાયરેક્ટ મેસેજમાં વધુ વિગતો શૅર કરવા કહ્યું હતું. જોકે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં એ વિશે હજી સુધી કોઈ અપડેટ નથી.
અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી તો અમુક યુઝર્સે મુંબઈ અને દેશની છબિને ખરાબ કરતા આવા ડ્રાઇવરોનું લાઇસન્સ રદ કરવાની માગણી કરી હતી.


