એક જાહેર નિવેદનમાં લોકોને કહ્યું હતું કે તમે કોઈ પાળતુ પ્રાણી રાખ્યાં હોય અને હવે એ ન રાખવાં હોય તો એ અમને દાનમાં આપી જાઓ.
ડેન્માર્કમાં ઍલ્બર્ગ પ્રાણીસંગ્રહાલય
ડેન્માર્કમાં ઍલ્બર્ગ પ્રાણીસંગ્રહાલયે લોકોને અજીબોગરીબ અપીલ કરી છે. તેમણે એક જાહેર નિવેદનમાં લોકોને કહ્યું હતું કે તમે કોઈ પાળતુ પ્રાણી રાખ્યાં હોય અને હવે એ ન રાખવાં હોય તો એ અમને દાનમાં આપી જાઓ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવી ભદ્દી અપીલ કરીને પ્રાણીસંગ્રહાલયે ગિની પિગ, સસલાં, મરઘી, ઘોડા જેવાં ન જોઈતાં પાળતુ પ્રાણીઓનું દાન કરવા કહ્યું છે જેથી તેઓ ઝૂમાં રાખેલાં શિકારી પ્રાણીઓનું પેટ ભરી શકે. આટલું ઓછું હોય એમ અપીલમાં સ્પષ્ટતા પણ કરી છે કે પાળતુ પ્રાણીઓ સ્વસ્થ હોવાં જોઈએ. આવું કહેવા પાછળનું કારણ સમજાવતાં પાછું કહેવામાં આવ્યું છે કે ‘અમે કુદરતે જે ખાદ્યશૃંખલા બનાવી છે એનું અનુકરણ કરવા માગીએ છીએ. મરઘી, સસલાં અને ગિની પિગ એ શિકારી પ્રાણીઓના ખોરાકનો મહત્ત્વનો હિસ્સો છે. એમને આવું ભોજન જંગલમાં મળતા નૅચરલ શિકાર જેવી ફીલ આપશે. અમે તમારા દ્વારા દાન કરાયેલાં પ્રાણીઓની પહેલાં તપાસ કરીશું. એ સ્વસ્થ હશે અને શિકારીઓ માટે ખાવાલાયક હશે તો એમને યુથનેશિયા એટલે કે સ્વેચ્છામૃત્યુ આપીશું અને પછી શિકાર તરીકે શિકારી પ્રાણીઓને ખાવા આપીશું.’
સોશ્યલ મીડિયા પર આ પ્રાણીસંગ્રહાલયની અપીલ ખૂબ ટ્રોલ થઈ છે.


