આતંકવાદના ખતરા અને રાજકીય અશાંતિને કારણે વિયેના બીજા ક્રમાંકે ધકેલાયું
કોપનહેગન
ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025 જાહેર કરવામાં આવ્યો છે જે અનુસાર ડેન્માર્કના કોપનહેગન શહેરે ૨૦૨૫માં વિશ્વમાં સૌથી વધુ રહેવાયોગ્ય શહેર બનવા માટે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ શહેરને સ્થિરતા, શિક્ષણ અને માળખાગત સુવિધાઓમાં સંપૂર્ણ સ્કોર મળ્યો છે. મજબૂત જાહેર સેવાઓ, ટકાઉ આયોજન અને ઉચ્ચ ગુણવત્તાવાળા જીવન સાથે કોપનહેગન વૈશ્વિક રહેવા યોગ્યતા રૅન્કિંગ્સમાં ત્રણ વર્ષ બાદ વિયેનાને હટાવીને ટોચના સ્થાને આવ્યું છે. આતંકવાદના ખતરા અને રાજકીય અશાંતિમાં વધારો થયા બાદ ઑસ્ટ્રિયાના વિયેનાનું સ્થાન બીજા ક્રમાંકે ધકેલાયું છે. ટોચનાં ૧૦ શહેરોમાં ઑસ્ટ્રેલિયાનાં ત્રણ શહેરોનો સમાવેશ થયો છે જે દર્શાવે છે કે આ દેશમાં રહેનારાઓને સારી લાઇફસ્ટાઇલ મળી રહે છે. ટોચનાં અન્ય આઠ શહેરોમાં સ્વિટ્ઝરલૅન્ડના ઝુરિક, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન, સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા, ઑસ્ટ્રેલિયાના સિડની, જપાનના ઓસાકા, ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ, ઑસ્ટ્રેલિયાના ઍડીલેડ અને કૅનેડાના વૅનકુવરનો નંબર આવે છે.


