સર્બિયાના એક યુવકે ગુરુગ્રામમાં શરૂ કરી સફાઈની અનોખી પહેલ
સર્બિયાનો નાગરિક
ભારતમાં સ્વચ્છતાની વાતો બહુ થાય છે, પણ હકીકતમાં સફાઈનું કામ ઉપાડવામાં કોઈને રસ નથી હોતો. જોકે સર્બિયાના એક નાગરિકે હરિયાણાના ગુરુગ્રામમાં એક અનુકરણીય ટૂંકું મિશન હાથ ધર્યું છે. મિશન છે ‘એક દિન એક ગલી’. ૧૫ ઑગસ્ટે સ્વતંત્રતાદિવસની ઉજવણી થાય એ પહેલાં તેણે પોતે ગુરુગ્રામમાં જ્યાં રહે છે એની આસપાસની ગલીઓની સફાઈ જાતે જ કરવાનું શરૂ કર્યું છે. તે રોજ એક ગલી પસંદ કરીને ત્યાં ચોમેર પડેલો કચરો ઉઠાવીને સાફ કરે છે. રોજ આ સફાઈની શરૂઆતમાં કેટલી ગંદકી હતી અને સફાઈ પછી ચોખ્ખોચણક વિસ્તાર થઈ ગયો એ પણ એમાં દેખાડે છે. આ મિશન તેણે @4cleanindia ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરવાનું શરૂ કર્યું છે. આ અકાઉન્ટના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, ‘એક સર્બિયાઈ ભારતની સફાઈયાત્રા પર. ભારતને સ્વચ્છ રાખો.’
એક વિદેશી માણસની ભારતને સ્વચ્છ રાખવા માટેની આ પહેલની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે અને શરમ પણ અનુભવી રહ્યા છે. ભલે ‘એક દિવસ એક ગલી’ સફાઈનું આ અભિયાન નાનું લાગે, પરંતુ સ્વચ્છ ભારત અભિયાનના મૂળને દર્શાવે છે. સર્બિયાઈ ભાઈ કહે છે કે અંગત રીતે જવાબદારી લેવી એ સ્વચ્છ દેશ બનાવવાની ચાવી છે.


