નિર્દોષ સાબિત થઈને બહાર આવ્યા ત્યારે ૧૦૪ વર્ષની ઉંમર છે
ગૌરે ગાંવમાં લખન નામના ૧૦૪ વર્ષના દાદા ગયા અઠવાડિયે ૪૮ વર્ષ બાદ જેલમાંથી છૂટ્યા
ઉત્તર પ્રદેશના ગૌરે ગાંવમાં લખન નામના ૧૦૪ વર્ષના દાદા ગયા અઠવાડિયે ૪૮ વર્ષ બાદ જેલમાંથી છૂટ્યા હતા. નવાઈની વાત એ હતી કે આટલાં વર્ષો સુધી તેઓ કેસ ચાલતો હોવાથી જેલમાં હતા અને તાજેતરમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. જીવનના પાંચ દશક કોઈ ગુના વિના જેલની યાતના ભોગવી ચૂકેલા લખનદાદાની આપવીતી રૂંવાડાં ખડાં કરી દે એવી છે.
જે ગુનો કર્યો જ નહોતો એમાં નિર્દોષ સાબિત થવા માટે લખનદાદાને જીવનનાં ૫૦ વર્ષ જેલમાં વિતાવવા પડ્યાં હતાં.
વાત એમ હતી કે ૧૯૭૭ની પાંચમી ઑગસ્ટે સાંજે ચાર વાગ્યાના સુમારે લખન પાસી તેમની ઝૂંપડીમાં સૂતા હતા. પત્ની પ્યારીદેવીએ તેમને જગાડ્યા અને કહ્યું કે ગામના કૂવા માટે ૧૫-૧૬ જણ લાકડીઓ લઈને મારપીટ કરી રહ્યા છે. કોઈકનાં ઢોર ખેતરમાં ઊભો પાક બરબાદ કરી રહ્યાં હતાં એ મામલે ઝઘડો થતાં મામલો ગરમાયો હતો. લખનદાદા ત્યાં પહોંચ્યા ત્યારે પ્રભુ નામનો માણસ લોહીથી લથબથ હતો. તેને જૂની અદાવત ધરાવતા ગામના જ એક માણસે માર્યો હતો. એવામાં પોલીસ ત્યાં આવી અને પ્રભુને હૉસ્પિટલમાં લઈ ગઈ. ગામલોકોની સાથે લખન પણ હૉસ્પિટલમાં ગયા અને ખબર પડી કે પ્રભુ ગુજરી ગયો. જોકે બીજા દિવસે પોલીસ લખનના ઘરે આવી અને મારપીટના મામલામાં લખન સહિત ગામના ત્રણ દલિતોને પકડીને લઈ ગઈ. મરનાર પ્રભુના ભાઈએ ફરિયાદમાં મારપીટ કરનારાઓની સાથે લખનનું નામ પણ લખાવી દીધું હતું. આ કેસમાં તારીખ પર તારીખ પડતી રહી, પણ કંઈ થયું નહીં. છેક ૨૦૨૫માં બીજી મેના રોજ અલાહાબાદ હાઈ કોર્ટે આદેશ આપ્યો કે ‘લખન બેકસૂર છે. જો તે જેલમાં હોય તો તેને આઝાદ કરવામાં આવે અને જો જમાનત પર હોય તો જમાનતની જરૂરિયાત રદ કરીને તેને સ્વતંત્ર કરવામાં આવે.’ જોકે એ પછી પણ તેમને જેલમાંથી છોડાવવામાં બીજા ૧૮ દિવસ લાગી ગયા.
ADVERTISEMENT
લખનની પત્નીનું ૨૦૧૩માં નિધન થઈ ગયું અને પરિવારે ૧૩ વીઘા જમીન વેચીને લાખો રૂપિયા ખર્ચીને ચાર વકીલો બદલ્યા. લખનની દીકરી આશા કહે છે, ‘મારી મા મૃત્યુના છેલ્લા દિવસો સુધી કહેતી રહી કે તારા પપ્પાએ કોઈને નથી માર્યા, તે તો ઘટનાસ્થળે ઊભા હતા.’

