વડા પ્રધાને તેની સાથે ફિટનેસની વાતો પણ કરી: કેન્દ્રીય પ્રધાનો સહિત બીજેપીના અન્ય અનેક લીડર્સ દેશના જુદા-જુદા ભાગોમાં આ અભિયાનમાં જોડાયા

નવી દિલ્હીમાં ગઈ કાલે ‘સ્વચ્છતા હી સેવા’ કૅમ્પેનના ભાગરૂપે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા ફિટનેસ ઇન્ફ્લુઅન્સર અંકિત બૈયનપુરિયાની સાથે પીએમ નરેન્દ્ર મોદી (તસવીર : એ.એન.આઇ.)
ગાંધીજયંતી પહેલાં ગઈ કાલે સમગ્ર દેશમાં હજારો લોકોએ એક કલાકના સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઝુંબેશની આગેવાની કરીને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પીએમ મોદીએ ફિટનેસ ઇન્ફ્લુઅન્સર અંકિત બૈયનપુરિયાની સાથે આ ઝુંબેશમાં ભાગ લીધો હતો. આ રીતે તેમણે ફિટનેસની સાથે સ્વચ્છતા અને સુખાકારીને જોડી હતી.
અંકિત બૈયનપુરિયા (અંકિત સિંહ) હરિયાણામાં જન્મેલો ફિટનેસ ઇન્ફ્લુઅન્સર છે. તે તેના દેશી વર્કઆઉટ માટે જાણીતો છે. તે રિસન્ટલી તેની ૭૫ દિવસની હાર્ડ ચૅલેન્જના કારણે ચર્ચામાં રહ્યો હતો, જેમાં મૅન્ટલ હેલ્થ અને ડિસિપ્લિન પર ફોકસ કરવામાં આવ્યું છે. અંકિત ભૂતપૂર્વ દેશી રેસલર છે. તેના પિતા એક ખેડૂત છે.
ADVERTISEMENT
મોદીએ તેની સાથે સફાઈ કરતો વિડિયો એક્સ પ્લૅટફૉર્મ પર શૅર કરીને લખ્યું હતું કે ‘ગઈ કાલે જ્યારે સમગ્ર દેશે સ્વચ્છતા પર ફોકસ કર્યું ત્યારે અંકિત બૈયનપુરિયા અને મેં પણ એમ કર્યું હતું. માત્ર સ્વચ્છતાથી પર જઈને અમે ફિટનેસ અને સુખાકારીને પણ જોડી છે. એ સ્વચ્છ અને સ્વસ્થ ભારત વાઇબ વિશે છે.’ આ વિડિયોમાં પીએમ મોદી અને અંકિત સફાઈ કરતાં જોવા મળ્યા હતા. કેન્દ્રીય પ્રધાનો સહિત બીજેપીના અન્ય અનેક લીડર્સ દેશના જુદા-જુદા ભાગોમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ભાગ લીધો હતો જ્યારે બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીમાં સફાઈ કરી હતી.
પુરીના બીચ પર ગઈ કાલે સૅન્ડ - આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે સુંદર સૅન્ડ આર્ટ દ્વારા સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો
અંકિતે મોદીને કહ્યું કે એક્સરસાઇઝ માટે તમને જોઈને પણ મોટિવેટ થાઉં છું
મોદીએ અંકિતને પૂછ્યું કે ફિટનેસ માટે તમે આટલી મહેનત કરો છો ત્યારે સ્વચ્છતામાં એનાથી કેવી રીતે મદદ મળશે? જેના જવાબમાં અંકિતે કહ્યું હતું કે ‘વાતાવરણને સ્વચ્છ રાખવું આપણી ફરજ છે. એ સ્વસ્થ રહેશે ત્યારે જ આપણે સ્વસ્થ રહીશું.’ મોદીએ પૂછ્યું કે ફિઝિકલ ઍક્ટિવિટી માટે તમે કેટલો સમય આપો છો? અંકિતે કહ્યું કે ‘રોજ ચારથી પાંચ કલાક. તમને જોઈને પણ મોટિવેટ થાઉં છું કે તમે પણ એક્સરસાઇઝ કરો છો.’ મોદીએ કહ્યું કે ‘હું વધારે એક્સરસાઇઝ નથી કરતો, રોજિંદી જિંદગીમાં જેટલું કરવું જોઈએ એટલું કરું છું, પરંતુ ડિસિપ્લિન ફૉલો કરું છું.’
અંકિતે G20 સમિટનો ઉલ્લેખ કરીને કહ્યું કે ‘તમને મળીને સપનું સાકાર થયું. G20 સમિટ જોઈ, જેમાં ભારતનો વટ જોઈને દરેક ભારતીયને ગૌરવની લાગણી થઈ.’ આ સાંભળીને મોદીએ કહ્યું હતું કે ‘ભારત મંડપમમાં એક આખી દીવાલ યોગને સમર્પિત છે, જેમાં દરેક આસન પર ક્યુઆર કોડ છે. જેથી દરેક વ્યક્તિને જાણ થાય કે એનાથી શું ફાયદો થાય છે, કેવી રીતે કરવાનું છે.’
અમદાવાદમાં ગઈ કાલે ‘સ્વચ્છતા હી સેવા’ કૅમ્પેન હેઠળ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લઈ રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

