કાઉન્સિલની અમુક મહત્ત્વની ભલામણોને નાણાપ્રધાને નાણાખરડો, 2024 અન્વયે પ્રસ્તાવિત કાયદાકીય જોગવાઈઓ દ્વારા અમલમાં મૂકી છે
શૈલેશ શેઠ
ગયા મહિને બાવીસમી જૂને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની ૫૩મી મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સઘન ચર્ચાવિમર્શ પછી કાઉન્સિલે અત્યંત વ્યાપક અને દૂરગામી અસરો ધરાવતા નિર્ણયો લીધા હતા અને એ નિર્ણયોને અમલમાં મૂકવા ભલામણો કરી હતી.
કાઉન્સિલની અમુક મહત્ત્વની ભલામણોને નાણાપ્રધાને નાણાખરડો, 2024 અન્વયે પ્રસ્તાવિત કાયદાકીય જોગવાઈઓ દ્વારા અમલમાં મૂકી છે. સેક્શન M 74A અંતર્ગત કરચોરી અને કરચોરી સિવાયના - બન્ને પ્રકારના કેસમાં ટૅક્સ કે ઇન્ડિયન ટબૅકો કંપની (ITC)ની ડિમાન્ડ વિશે નોટિસ ઇશ્યુ કરવા માટે ૪૨ મહિના (સાડાત્રણ વરસ)ની સમયમર્યાદા ઠેરવવામાં આવી છે. હાલ કરચોરીના કેસમાં આ સમયમર્યાદા પાંચ વર્ષની છે. આ ઉપરાંત સંબંધિત અધિકારીએ શો કૉઝ નોટિસ ઇશ્યુ કર્યાની તારીખથી એનો વધુમાં વધુ ૧૮ મહિનામાં નિકાલ કરવાનો રહેશે. આ પ્રસ્તાવિત જોગવાઈ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ત્યાર બાદ સર્જાતી ડિમાન્ડને લાગુ પડશે.
ADVERTISEMENT
GSTના અમલના પ્રારંભનાં વરસોમાં કરદાતાઓને નડેલી સમસ્યાઓને ધ્યાનમાં લઈને નાણાપ્રધાને પ્રવર્તમાન સેક્શન 16(4)માં નિર્દિષ્ટ ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ લેવાની સમયમર્યાદામાં રાહત આપી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮થી ૨૦૨૦-’૨૧ સંબંધી ઇન્વૉઇસ કે ડેબિટ નોટ પર કરદાતાને ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ લેવાની છૂટ આપવામાં આવી છે. શરત કેવળ એટલી જ છે કે એ સમયગાળા સંબંધી સેક્શન ૩૯ અંતર્ગત રિટર્ન ૨૦૨૧ની ૩૦ નવેમ્બર પહેલાં દાખલ કરવામાં આવ્યું હોય.
નાણાપ્રધાને કરદાતાઓને કાનૂની વિવાદોના ભારણમાંથી અને અસંખ્ય વિવાદો પર પૂર્ણવિરામ મૂકવાની શક્યતા ધરાવતી એક મહત્ત્વની જોગવાઈ પણ રજૂ કરી છે. જો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ સંબંધી કરદાતાને સેક્શન 73 હેઠળ ટૅક્સ કે ઇન્પુટ ટૅક્સ ક્રેડિટની ડિમાન્ડ ઇશ્યુ કરવામાં આવી હોય અને એ અનિર્ણિત હોય અથવા એ અપીલમાં હોય તો કરદાતા સમગ્ર ટૅક્સ કે ક્રેડિટની રકમ સૂચિત તારીખ પહેલાં ભરી શકશે અને તેને વ્યાજ તથા દંડની ચુકવણીમાંથી સંપૂર્ણ માફી મળશે. આ પ્રસ્તાવિત જોગવાઈ કરચોરીના કિસ્સા તથા રીફન્ડ સંબંધી ડિમાન્ડને લાગુ નહીં પડે.
કાઉન્સિલની ૫૩મી મીટિંગ એક સીમાચિહ્નરૂપ રહી છે અને એ મીટિંગ અન્વયે કરવામાં આવેલી ભલામણો GSTના કાયદા તથા અમલને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. નાણાપ્રધાને અંદાજપત્ર અન્વયે આ દિશામાં નક્કર પગલાં માંડ્યાં છે.
- શૈલેશ શેઠ, ઍડ્વોકેટ અને ઇન્ડાયરેક્ટ ટૅક્સ એક્સપર્ટ

