કમલનાથ, આનંદ શર્મા અને શશી થરૂરે સરકારને ટેકો આપ્યો; કહ્યું કે મિડલ ઈસ્ટ કટોકટી સરકારે સારી રીતે સંભાળી
રાહુલ ગાંધી
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને LPG-કટોકટી પર કૉન્ગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓએ પક્ષની લાઇનથી વિપરીત નિવેદન આપ્યાં છે જેમાં કમલનાથ, આનંદ શર્મા અને શશી થરૂરનો સમાવેશ છે. બીજી તરફ કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ મુદ્દાઓ પર વડા પ્રધાનનું નામ લઈને સીધા તેમને નિશાન બનાવી રહ્યા છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘કટોકટીનો સામનો કરવામાં ભારતનો રાજદ્વારી અભિગમ સમજદારીભર્યો રહ્યો છે. આનાથી સંભવિત મુશ્કેલીઓ ટાળી છે. સરકારે અણધારી અને અસ્થિર પરિસ્થિતિમાં રાજકીય નેતાઓને નીતિગત નિર્ણયો વિશે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક પણ યોજી હતી. આ રાષ્ટ્રીય સંવાદ ચાલુ રહેવો જોઈએ. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને એક પરિપક્વ પ્રતિભાવ એ સમયની જરૂરિયાત છે.’
ADVERTISEMENT
આ પોસ્ટને BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ શૅર કરી હતી. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે કહ્યું હતું કે ક્યાંય ગૅસની અછત નથી, ફક્ત એક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે અછત છે. કમલનાથે કેટલાક લોકો પર રાજકીય લાભ માટે જાણીજોઈને ગભરાટ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
શશી થરૂરે એક લેખમાં લખ્યું હતું કે ‘ભારતનો સંયમ શાણપણ દર્શાવે છે. આ બાબતમાં મૌન રહેવું એ કાયરતા નથી. એને બદલે આપણે સમજવું જોઈએ કે આપણાં રાષ્ટ્રીય હિતો આ પ્રદેશ સાથે સંકળાયેલાં છે.’
