કેન્દ્ર સરકારના નવા બિલમાં એક્સાઇઝ ડ્યુટીમાં તીવ્ર વધારો કરવાનું સૂચન
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારના નવા બિલમાં સિગારેટના વેચાણને રોકવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં તીવ્ર વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે એથી હાલમાં ૧૮ રૂપિયામાં મળતી એક સિગારેટ ટૂંક સમયમાં ૭૨ રૂપિયામાં મળશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કેટલાક લોકોએ એમ કહીને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે કે વધારે પડતા ભાવ સિગારેટ છોડવા માટે પ્રોત્સાહિત કરશે. જોકે સોશ્યલ મીડિયામાં મિક્સ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
એક યુઝરે સરકારના નિર્ણયની પ્રશંસા કરીને લખ્યું હતું કે ‘ધૂમ્રપાન કરનારા તરીકે મને આ નિર્ણય ગમ્યો છે. મને આશા છે કે આનાથી ભારતમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યા ઘટશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો. હું પણ છોડી શકીશ.’
ADVERTISEMENT
જોકે ઘણા યુઝર્સે આ સમાચાર પર રમૂજ અને કટાક્ષ સાથે પ્રતિક્રિયા આપી હતી. દિલ્હીની નબળી હવાની ગુણવત્તાનો ઉલ્લેખ કરતાં એક યુઝરે લખ્યું હતું કે ‘મારે શું, હું તો દિલ્હીની હવામાં જીવી રહ્યો છું, ફ્રી ફ્રી ફ્રી. રાજધાનીમાં લોકો અગાઉથી જ પ્રદૂષિત હવાથી ટેવાયેલા છીએ અને સિગારેટથી કોઈ ખાસ ફરક પડશે નહીં.’
કેટલાક લોકોએ આગાહી કરી હતી કે હવે ઘણા લોકોના હાથમાં વેપ (ઈ-સિગારેટ) જોવા મળશે. કેટલાક યુઝર્સે નોંધ્યું હતું કે જ્યારે ઊંચા ભાવ કેટલાક ધૂમ્રપાન કરનારાઓને સિગારેટ છોડી દેવા અથવા ઈ-સિગારેટ જેવા વિકલ્પ તરફ સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે ત્યારે ગેરકાયદે વેચાણમાં વધારો થવાનું જોખમ પણ છે.
એક યુઝરે લખ્યું હતું કે ધૂમ્રપાન અને દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે આ સિગારેટ કંપનીના સ્ટૉક ખરીદવાનો સમય છે.
સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, ૨૦૨૫
સંસદે સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, ૨૦૨૫ પસાર કર્યું, રાજ્યસભાએ આ કાયદાને મંજૂરી આપી અને એને લોકસભામાં પાછો મોકલ્યો હતો. નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરી દ્વારા રજૂ કરાયેલા આ બિલનો હેતુ સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, ચાવવાની તમાકુ, જરદા અને સુગંધિત તમાકુ સહિત તમાકુનાં ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી અને સેસમાં સુધારો કરવાનો છે.
સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી
હાલના સેન્ટ્રલ એક્સાઇઝ ઍક્ટ, ૧૯૪૪ હેઠળ સિગારેટ પર લંબાઈ અને પ્રકાર પર આધાર રાખીને પ્રતિ ૧૦૦૦ સ્ટિક્સ પર ૨૦૦ રૂપિયાથી ૭૩૫ રૂપિયા સુધીની ડ્યુટી લાગે છે. નવા સુધારામાં ભારે વધારો સૂચવવામાં આવ્યો છે જેમાં ડ્યુટી વધીને પ્રતિ ૧૦૦૦ સિગારેટદીઠ ૨૭૦૦થી ૧૧,૦૦૦ રૂપિયા થઈ જશે. ચાવવાની તમાકુ પર ડ્યુટી ૨૫ ટકાથી વધીને ૧૦૦ ટકા, હુક્કા તમાકુ પર ડ્યુટી ૨૫ ટકાથી વધીને ૪૦ ટકા થશે, જ્યારે પાઇપ અને સિગારેટ માટેના ધૂમ્રપાન મિશ્રણ પર ૬૦ ટકાથી વધીને ૩૨૫ ટકા ડ્યુટી થશે.


