Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિક-પોલીસ વિદ્યાર્થીઓ માટે વરદાન બનીને આવી

ટ્રાફિક-પોલીસ વિદ્યાર્થીઓ માટે વરદાન બનીને આવી

Published : 11 February, 2026 07:04 AM | Modified : 11 February, 2026 07:43 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

થાણેમાં ટ્રાફિકના ચક્રવ્યૂહમાંથી ૧૩ સ્ટુડન્ટ્સને ઉગારીને સમયસર એક્ઝામ-સેન્ટર સુધી પહોંચાડ્યા

ટ્રાફિક-પોલીસ દ્વારા એક સ્ટુડન્ટને બાળકુમ નાકાથી રાબોડીના સરસ્વતી વિદ્યાલયમાં સુરક્ષિત પહોંચાડવામાં આવી હતી.

ટ્રાફિક-પોલીસ દ્વારા એક સ્ટુડન્ટને બાળકુમ નાકાથી રાબોડીના સરસ્વતી વિદ્યાલયમાં સુરક્ષિત પહોંચાડવામાં આવી હતી.


થાણે શહેરમાં વિકાસકાર્યોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા હાલમાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર બની ચૂકી છે, પરંતુ આ પડકાર સામે થાણે ટ્રાફિક-પોલીસ ‘ઢાલ’ બનીને ઊભી રહી છે. ગઈ કાલે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારે અપેક્ષા મુજબ જ થાણેના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જૅમ હતો. જોકે ટ્રાફિક-પોલીસના આગોતરા આયોજનને કારણે મોટી સમસ્યા ટળી ગઈ હતી. ભારે ટ્રાફિક જૅમમાં ફસાયેલા ૧૩ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચવા અસમર્થ હતા ત્યારે ટ્રાફિક-વિભાગના જવાનોએ દેવદૂત બનીને તેમને સમયસર પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. આ ત્વરિત મદદને કારણે વિદ્યાર્થીઓનું અમૂલ્ય શૈક્ષણિક વર્ષ બગડતું બચ્યું હતું જેને પગલે વાલીઓએ ભીની આંખે પોલીસનો આભાર માન્યો હતો.

થાણે ટ્રાફિક-વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલ સવારે સાડાદસથી પોણાઅગિયાર વાગ્યા દરમ્યાન કન્ટ્રોલ રૂમમાં મદદ માગતા ૧૩ ફોન આવ્યા હતા. આ તમામ કૉલ થાણેના જુદા-જુદા વિસ્તારોમાંથી આવ્યા હતા. અગાઉની તૈયારીના ભાગરૂપે અમારા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાના સ્કૂટર અને બાઇક પર બેસાડીને પરીક્ષા-કેન્દ્ર સુધી લઈ ગયા હતા. પરીક્ષાના ભાગરૂપે અમે જે વિસ્તારમાં સેન્ટર હતાં એ વિસ્તારની આસપાસનો વિસ્તાર ટ્રાફિક-મુક્ત અગાઉથી જ કરી રાખ્યો હતો જેની અમને મદદ થઈ હતી. અમે લોકોને અપીલ કરીએ છીએ કે વધુ પડતા ટ્રાફિકને લીધે તેમની પરીક્ષાનો સમય ચૂકી ન જવાય અને તેઓ સમયસર પરીક્ષા આપવા પહોંચી જાય એ માટે ઘરેથી થોડા વહેલા નીકળે. જોકે એમ છતાં જો કોઈ વિસ્તારમાં વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય તો તેઓ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકે છે.’



(થોડા દિવસ પહેલાં જ મિડ-ડેએ પ્રથમ પાને રિપોર્ટ પ્રગટ કર્યો હતો જેમાં થાણે પોલીસના ટ્રાફિક-રાઇડર્સે કહ્યું હતું કે અમે બોર્ડ એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા સજ્જ છીએ.)


ટ્રાફિક-પોલીસની બ્લુપ્રિન્ટ શું હતી?

થાણેમાં મેટ્રો રેલ અને નવા ફ્લાયઓવરના નિર્માણને લીધે છેલ્લાં બે વર્ષથી ઘોડબંદર રોડ અને માજીવાડા જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. આવી પરિસ્થિતિમાં દસમા અને બારમાના વિદ્યાર્થીઓ નિર્ધારિત સમયે પરીક્ષાખંડમાં ન પહોંચી શકે એવી પૂરેપૂરી શક્યતા હતી. આ બાબતની ગંભીરતા સમજીને થાણે ટ્રાફિક-વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પંકજ શિરસાટે વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચાડવા બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. આ આયોજન હેઠળ સમર્પિત ટ્રાફિક-અધિકારીઓ અને ખાસ ‘ટ્રાફિક રાઇડર્સ’ની ફોજ તહેનાત કરવામાં આવી છે જેનું એકમાત્ર કામ પરીક્ષાર્થીઓને કોઈ પણ અડચણ વિના સેન્ટર સુધી પહોંચાડવાનું છે. આ ટીમને વ્યૂહાત્મક રીતે એવાં સ્થળોએ રાખવામાં આવી છે જ્યાંથી તેઓ માત્ર ૧૦ મિનિટમાં કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. આ સેવા માત્ર થાણે શહેર પૂરતી મર્યાદિત નથી; પરંતુ થાણે પોલીસ કમિશનરેટ હેઠળ આવતા ડોમ્બિવલી, કલ્યાણ, બદલાપુર અને અંબરનાથ જેવા વિસ્તારોમાં પણ રાખવામાં આવી છે.       


 

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 07:43 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK