પોલીસનો દાવો : રામ મંદિરમાં નાસભાગની નિષ્ફળ કોશિશ થઈ
પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરના ગેટ-નંબર ૩ પાસે દર્શન પથ પર સોમવારે રાત્રે ૮ વાગ્યે એક ડ્રોન શંકાસ્પદ પરિસ્થિતિમાં તૂટી પડ્યું હતું. પોલીસે અજ્ઞાત માણસ સામે કેસ નોંધીને આ ઘટનાને નાસભાગની નિષ્ફળ કોશિશ ગણાવી હતી. પોલીસે ડ્રોન-પાઇલટની ઓળખ કરી લીધી છે અને રામ મંદિરની સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી છે.
મહાકુંભને કારણે અયોધ્યામાં ભારે ભીડ છે અને રોજ ત્રણ લાખ જેટલા ભાવિકો રામલલાનાં દર્શન કરવા આવે છે. સોમવારે રાત્રે ડ્રોન તૂટી પડ્યા બાદ પોલીસે તાત્કાલિક બૉમ્બ-સ્ક્વૉડને બોલાવી લીધી હતી. તપાસમાં ખબર પડી કે ડ્રોનનો પાઇલટ યુ-ટ્યુબર છે અને ગુરુગ્રામનો રહેવાસી છે. તેણે રામ મંદિર પરિસરના વિડિયો-ફુટેજ માટે ડ્રોન ઉડાવ્યું હતું. તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.


