પત્ની અને દીકરી સાથેના સંબંધ વણસ્યા એ માટે યુવકના પેરન્ટ્સની દખલઅંદાજીને જવાબદાર ઠેરવી સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સામાન્ય રીતે કોર્ટ પરિવારોને સાથે રહેવા માટે સમજાવતી હોય છે, પરંતુ એક અનોખા કેસમાં સુપ્રીમ કોર્ટે એક યુવકને તેનાથી અલગ રહેતી પત્ની અને ૯ વર્ષની દીકરી સાથે સંબંધો સુધારવા માટે તેનાં માતા-પિતાથી અલગ રહેવા જવાનો આદેશ આપ્યો હતો. તેમના લગ્નજીવનમાં પેરન્ટ્સની દખલગીરીને જવાબદાર ઠેરવતાં કોર્ટે કહ્યું હતું કે તે પુરુષ પૂરી રીતે તેનાં માતા-પિતાના કાબૂમાં હતો.
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે તે પુરુષ સ્વતંત્ર રીતે કોઈ નિર્ણય લઈ નહોતો રહ્યો જેને કારણે તેની પત્ની અને દીકરીને સતત નજરઅંદાજ થયાં હોવાનું મહેસૂસ થયા કરતું હતું. કોર્ટના કહેવા મુજબ હવે પતિ, પત્ની અને તેમની દીકરી ઘરના પહેલા માળે અલગથી રહેવાનું શરૂ કરશે એટલું જ નહીં, કોર્ટે એ પણ સાફ કર્યું હતું કે પતિ કોર્ટના આ ઑર્ડરને માનવાની ના નહીં પાડી શકે. આ અરેન્જમેન્ટ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી જાળવવી પડશે.
ADVERTISEMENT
આ કેસ છત્તીસગઢ હાઈ કોર્ટના એક ઑર્ડરની સામે કરવામાં આવેલી અપીલ સાથે જોડાયેલો છે. એમાં પત્નીએ મેઇન્ટેનન્સ માગ્યું હતું અને પતિ અને તેના પરિવાર પર જોરજુલમ અને ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હાલમાં પત્ની પ્રેગ્નન્ટ હોવાથી કોર્ટે આ વચગાળાની વ્યવસ્થા કરવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પુખ્ત વયનાં સંતાનોના પરિવારને તેમની રીતે નિર્ણયો લેવાની સ્વતંત્રતા પેરન્ટ્સે આપવી જ જોઈએ.


