આરેથી કફ પરેડ અન્ડરગ્રાઉન્ડ જતી મેટ્રો 3ને કારણે સાઉથ મુંબઈના રોડ પરના ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મેટ્રો
આરેથી કફ પરેડ અન્ડરગ્રાઉન્ડ જતી મેટ્રો 3ને કારણે સાઉથ મુંબઈના રોડ પરના ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હજી તો મેટ્રો 3 ચાલુ થયાને બે જ મહિના થયા છે ત્યાં અનેક લોકો જે વાહનો લઈને પ્રવાસ કરતા હતા તેમણે હવે મેટ્રો3નો વિકલ્પ અપનાવતાં આ ફરક જોવા મળ્યો છે. મેટ્રો 3માં રોજના ઍવરેજ ૧.૮ લાખ લોકો પ્રવાસ કરે છે જેમાંના ૬૦,૦૦૦ એટલે કે ત્રીજા ભાગના લોકો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લઈને કફ પરેડ સુધીમાં ઊતરે છે એથી સાઉથ મુંબઈમાં જે ટૅક્સીઓ અને બસ ભરાઈને આવતી હતી એ હવે ઓછી થઈ ગઈ છે તથા રોડ પરનો ટ્રાફિક ઘટ્યો છે.
ટ્રાફિક-પોલીસના જૉઇન્ટ કમિશનર અનિલ કુંભારેએ કહ્યું છે કે ‘ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલાં મહાનગરપાલિકા માર્ગ, ડી. એન. રોડ અને હઝારીમલ સોમાણી માર્ગ (કફ પરેડ) પર બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક રહેતો હતો. હવે એ સ્મૂધ થઈ ગયો છે. વાહનો સહેલાઈથી આવ-જા કરી શકે છે. ખાસ કરીને સવારે ૯.૩૦થી ૧૧ અને સાંજે પાંચથી ૭.૩૦ વાગ્યાના પીક-અવર્સમાં ફોર્ટ અને મરીન-ડ્રાઇવનો ટ્રાફિક બહુ ઘટ્યો છે એટલું જ નહીં, CSMTથી કફ પરેડ માટે લોકો જે ટૅક્સી પકડતા હતા એમાં પણ ઘટાડો થયો છે. હવે ત્યાંના સિગ્નલની એક જ સાઇકલમાં ટ્રાફિક-ક્લિયર થઈ જાય છે. પહેલાં આવું ભાગ્યે જ બનતું હતું.’
ADVERTISEMENT
CSMTથી ચર્ચગેટ અને કફ પરેડ જવા ટૅક્સી પકડનારા લોકો પણ ઘટ્યા
મેટ્રો 3ના ત્રણ લોકપ્રિય રૂટ
મરોલથી CSMT : રોજના ઍવરેજ ૧૧,૮૯૮ પ્રવાસી
વિધાનભવનથી CSMT : રોજના ઍવરેજ ૩૪,૪૯૩ પ્રવાસી
ચર્ચગેટથી કફ પરેડ : રોજના ઍવરેજ ૨૨,૬૮૩ પ્રવાસી


