મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) અને પોર્ટ ડિપાર્ટમેન્ટની એક સહિયારી કંપની બનાવવામાં આવે એવી તાકીદ મુખ્ય પ્રધાને કરી છે
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યને મળતો ૭૨૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો, વાઢવણ પોર્ટ અને મૅરિટાઇમ સેક્ટરમાં રહેલી વિપુલ તકો જોતાં રાજ્ય સરકારે એને પ્રોત્સાહન આપવાનો વિચાર કર્યો છે. એથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે અધિકારીઓને રાજ્યમાં દેશનું સૌથી મોટું શિપયાર્ડ કઈ રીતે તૈયાર કરી શકાય એની રૂપરેખા તૈયાર કરવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ બાબતે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ એની સાથે જોડવામાં આવે અને એ મેગા શિપયાર્ડ ક્યા બની શકે એનું લોકેશન પણ નક્કી કરવામાં આવે.
સાથે જ પોર્ટ રીજનમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથને પણ વેગ મળે એ માટે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) અને પોર્ટ ડિપાર્ટમેન્ટની એક સહિયારી કંપની બનાવવામાં આવે એવી તાકીદ મુખ્ય પ્રધાને કરી છે. વાઢવણ પોર્ટ પણ બની રહ્યું છે ત્યારે મેજર પોર્ટ્સ અને એની આજુબાજુના વિસ્તારના ડેવલપમેન્ટ માટે એક ખાસ પ્લાનિંગ ઑથોરિટી પણ બનાવવામાં આવશે.
મુંબઈમાં વૉટર ટ્રાન્સપોર્ટ સંદર્ભે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એ માટે શરૂઆતમાં હાઇબ્રિડ બોટ વાપરવામાં આવશે. જોકે આગળ જતાં બધી જ બોટ બૅટરી પર ચાલે એવી જ વપરાશે.


