તારા શર્માએ તેમનો જૂનો ફોટો શૅર કરીને અભિનંદન આપ્યાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં અક્ષય ખન્નાની જબરદસ્ત ચર્ચા છે. આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં રહમાન ડકૈત તરીકે તેની ઍક્ટિંગે દર્શકોનાં દિલ જીતી લીધાં છે. બાહરિનના રૅપરના અરબી ટ્રૅક FA9LA પર અક્ષયની એન્ટ્રી વખતનો ડાન્સ-સીન વાઇરલ થયો છે અને એ સોશ્યલ મીડિયા પર ઝડપથી શૅર થઈ રહ્યો છે. આવા ખાસ સમયે અક્ષયની જૂની મિત્ર અને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ તારા શર્માએ અક્ષયને અભિનંદન પાઠવતાં તેમનો એક જૂનો ફોટો શૅર કરીને તેની પ્રશંસા કરી છે.
તારાએ ફોટો શૅર કરતાં લખ્યું હતું, ‘વેરી વેરી કૉન્ગ્રેચ્યુલેશન્સ અક્ષય! અમે હજી ફિલ્મ જોઈ નથી, પણ અમારી સોશ્યલ મીડિયા ફીડ ‘ધુરંધર’થી ભરાયેલી છે, ખાસ કરીને તારી ગ્રૅન્ડ એન્ટ્રી. આ તારા માટે અને આખી ટીમ માટે ગુડ લક મેસેજ છે. તારો સ્વૅગ, તારી એનર્જી... બધું જ કમાલનું છે. આપણે જ્યારે નાનાં હતાં ત્યારે જ એકબીજાને ઓળખતાં હતાં. તું આજે પણ પોતાની ઍક્ટિંગ પ્રત્યે એટલો જ સાચો છે એ જોઈને આનંદ થાય છે. કદાચ સ્કૂલના નાટકમાં જ આપણી પર્ફોર્મિંગ દુનિયામાં પહેલી એન્ટ્રી હતી અને ત્યારે જ ખબર પડી હતી કે તું કંઈક મોટું કરશે. તું જેટલો પ્રાઇવેટ માણસ છે એવો કદાચ કોઈ હોય નહીં. ખુશી છે કે તારી શાંતિપૂર્ણ અને સતત મહેનતનું ફળ હવે તને મળી રહ્યું છે.’
ADVERTISEMENT
તારા-અક્ષયની રિલેશનશિપ
એક સમય હતો જ્યારે અક્ષય અને તારા વચ્ચે ડેટિંગ થઈ રહ્યું હોવાની ચર્ચા હતી. ૨૦૦૭માં કરણ જોહરના ચૅટ-શોમાં જ્યારે આ સંદર્ભે પુછાયું ત્યારે અક્ષયે તેને સાચી રિલેશનશિપ ગણાવી હતી. રિપોર્ટ્સ મુજબ બન્ને લગભગ બે વર્ષ સુધી સાથે હતાં અને બ્રેકઅપ બાદ પણ સારાં ફ્રેન્ડ રહ્યાં. ૨૦૦૭માં તારાએ જ્યારે રૂપક સલૂજા સાથે લગ્ન કર્યાં ત્યારે પણ અક્ષય ગેસ્ટ-લિસ્ટમાં હતો. એક ઇન્ટરવ્યુમાં તારાએ કહ્યું હતું કે ‘રૂપકને અક્ષય ખૂબ ગમે છે. અમારું બ્રેકઅપ બહુ પહેલાં થઈ ગયું હતું. અમે હંમેશાં મિત્ર જ રહ્યાં છીએ, એથી કોઈ સમસ્યા નહોતી.’
શું છે FA9LAનો મતલબ?

રણવીર સિંહની ‘ધુરંધર’માં અક્ષય ખન્નાનું એન્ટ્રી-સૉન્ગ FA9LA ભારે ચર્ચામાં છે. આ ગીત ફિલ્મના ઑડિયો જુકબૉક્સમાં નથી છતાં એની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે મેકર્સ અને રણવીર સિંહે એને અલગથી શૅર કર્યું. ભારત જ નહીં, પાકિસ્તાનના દર્શકો પણ આ બાહરિનના ગીતના દીવાના બની ગયા છે અને હકીકતમાં એનો ઉચ્ચાર ‘ફસ્લા’ છે.
FA9LA હકીકતમાં બાહરિનના કલાકારો ફ્લિપરાચી અને ડૈફીનું લોકપ્રિય ગીત છે. આ ગીતમાં અંગ્રેજી આંકડો 9 વપરાયો છે જે અંગ્રેજી અક્ષર S માટે છે એટલે એનો ઉચ્ચાર થાય છે ‘ફસ્લા’. બાહરિનના યુવાનોની ભાષામાં ‘ફસ્લા’ એવી માનસિક સ્થિતિ છે જ્યાં કોઈ વ્યક્તિ સામાન્ય દુનિયા સાથે ‘કટ’ થઈ જાય અને આ સમયે દિમાગ વધુ ઊર્જાથી ભરાયેલું, થોડી ઉન્મત્ત અને અનિયંત્રિત સ્થિતિમાં હોય. આ ગીતના શબ્દો છે ‘અના ફસ્લા’ એટલે કે ‘હું ફસ્લા છું’. ‘ધુરંધર’માં રહમાન ડકૈતની પર્સનાલિટી સાથે આ શબ્દો સંપૂર્ણ મેળ ખાય છે, કારણ કે તે દુનિયાના નિયમોની પરવા નથી કરતો, તે પોતાની ધૂનમાં જ મસ્ત રહે છે અને તે સમાજના નિયમો માનતો નથી.


