ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભયંકર પરિસ્થિતિ જોઈને સુપ્રીમ કોર્ટે કુદરતી આપત્તિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સામે લાલ આંખ કરીને કહ્યું...
હિમાચલ પ્રદેશના ચંબાના પૂરનો વિડિયો વાઇરલ થયો હતો
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતનાં અનેક રાજ્યો ભારે વરસાદને લીધે કુદરતી આપદાનો સામનો કરી રહ્યાં છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ પરિસ્થિતિની જાતે નોંધ લઈને સંબંધિત રાજ્ય સરકારોને નોટિસ મોકલી હતી. કોર્ટે કહ્યું હતું કે આ રાજ્યો અભૂતપૂર્વ વરસાદ અને પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે, જેનાં કારણોમાં ગેરકાનૂની વૃક્ષનિકંદન એક મોટું કારણ લાગી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ બાબતે કેન્દ્ર સરકાર, NDMA તથા અન્ય જવાબદારી અધિકારીઓને પણ નોટિસ મોકલી હતી. કોર્ટે ૩ અઠવાડિયાંમાં બધા પાસેથી નોટિસનો જવાબ માગ્યો છે.
ADVERTISEMENT
આ ખૂબ ગંભીર સ્થિતિ છે એવું કહીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં વૃક્ષોને ગેરકાનૂની રીતે કાપવામાં આવ્યાં છે એ અત્યારની પ્રાકૃતિક આફત માટેનું મોટું કારણ છે. આ ગેરકાનૂની વૃક્ષનિકંદન ખૂબ મોટા પ્રમાણમાં થયેલું લાગે છે.’
ભારતના સૉલિસિટર જનરલે આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેઓ કોર્ટના આદેશો પ્રમાણે તમામ સંબંધિત અધિકારીઓ અને કેન્દ્ર સરકારનો જવાબ મગાવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે દુર્ભાગ્ય છે કે આપણે પ્રકૃતિ સાથે ઘણી વધારે રમત કરી લીધી છે એટલે હવે એ આપણા પર પ્રહાર કરી રહી છે.
કયા વિડિયોનો સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો?
હિમાચલ પ્રદેશના ચંબાના પૂરનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં વૃક્ષનાં કાપી નાખેલાં થડ-લાકડાંઓનો જથ્થો મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. આ સંપૂર્ણ જથ્થો પૂરના પાણીમાં તણાઈ ગયો હતો. જોકે વિડિયોને લીધે એ હકીકત સામે આવી હતી કે કેટલા મોટા પ્રમાણમાં આ વિસ્તારોમાં ગેરકાનૂની રીતે વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યાં છે અને વુડ-માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ આ વિડિયોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે એ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવ્યાં છે અને એ પણ સ્પષ્ટ છે કે ગેરકાનૂની રીતે આ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

ગેરકાનૂની રીતે વૃક્ષો કાપી નાખવાને લીધે આવી ભારે કુદરતી આપદાઓ સર્જાઈ છે.
અનેક રાજ્યોમાં ગેરકાયદે વૃક્ષનિકંદન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું લાગે છે.
વિકાસ અને પર્યાવરણની જાળવણી વચ્ચે સંતુલન જળવાય એ જરૂરી છે.


