આ પરંપરાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
નરેન્દ્ર મોદી
સોમવારે સુપ્રીમ કોર્ટે એ અરજીને રિજેક્ટ કરી દીધી હતી જેમાં અજમેર શરીફની દરગાહ પર વડા પ્રધાન દ્વારા ચાદર ચડાવવાની પરંપરાને પડકારવામાં આવી હતી. અરજીમાં કેન્દ્ર સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા સૂફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અને અજમેર દરગાહને અપાતા રાજ્યસ્તરના સન્માન અને પ્રતીકાત્મક માન્યતા પર પણ આપત્તિ જતાવવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્ય બાગચીની સંયુક્ત બેન્ચે એમ કહીને આ અરજી ફગાવી હતી કે આ એવો મામલો નથી જેના માટે કોર્ટે સુનાવણી કરવી પડે.
આ અરજી વિશ્વ વૈશ્વિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેન અને હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી હતી. અરજીકર્તાનો દાવો હતો કે સંવિધાનિક પદ પર બેઠેલા લોકો તરફથી દરગાહ પર ચાદર ચડાવવી એ સરકારી તટસ્થતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે વડા પ્રધાને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સમાં ચાદર ઓઢાડવી ન જોઈએ. ન્યાયાધીશોએ કહ્યું હતું કે આમેય આ વર્ષની ચાદર ઓઢાડવાનું કામ થઈ ચૂક્યું છે એટલે આ મામલો નિરર્થક છે.
ADVERTISEMENT
હિન્દુ મંદિરનો કેસ ચાલતો રહેશે
સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે અજમેર શરીફ દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો કરતો એક કેસ અજમેરની સિવિલ અદાલતમાં ચાલી રહ્યો છે. જજે કહ્યું હતું કે ‘એ કેસને તમે આગળ વધારી શકો છો. આ આદેશની એ કેસ પર કોઈ અસર નહીં પડે.’


