રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠને એક હોટેલમાં ચાલી રહેલી મિસ હૃષીકેશ સૌંદર્યસ્પર્ધાના રિહર્સલમાં ધમાલ મચાવી, કહ્યું...
શુક્રવારે રિહર્સલ કરતી મૉડલોને રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠનના કાર્યકરોએ ટૂંકાં કપડાં પહેરવા બાબતે ધમકાવવાની કોશિશ કરતાં વાત વણસી હતી.
બ્યુટી પેજન્ટમાં પહેરાતાં ટૂંકાં કપડાંનો વિરોધ કરીને હિન્દુ સંગઠનના કાર્યકરોએ ચીમકી આપી કે કાર્યક્રમ નહીં થવા દઈએ
શુક્રવારે ઉત્તરાખંડની એક હોટેલમાં ‘મિસ હૃષીકેશ’ સૌંદર્યસ્પર્ધાનો પૂર્વાભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠનના કાર્યકરો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે આ સ્પર્ધા ઉત્તરાખંડની સંસ્કૃતિની વિરુદ્ધની બતાવીને આયોજનસ્થળે હંગામો કરી નાખ્યો હતો. આરોપ છે કે સંસ્થાના લોકોએ કાર્યક્રમના આયોજક અને સૌંદર્યસ્પર્ધાની સ્પર્ધકો સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલાં ટૂંકાં કપડાં ઉત્તરાખંડની સંસ્કૃતિની વિરુદ્ધનાં છે એમ જણાવીને રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠનના રાઘવેન્દ્ર ભટનાગર કહે છે કે મૉડલિંગ ખતમ હો ગઈ, અબ ઘર જાઓ…
ADVERTISEMENT
એના જવાબમાં સ્પર્ધકોએ તેમનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. એકે કહ્યું હતું કે ‘જો એવું હોય તો દરેક દુકાનમાં આવાં કપડાંનું વેચાણ કરવાનું બંધ કરાવો.’ હિન્દુ સંગઠનના કાર્યકરો વિડિયો લઈ રહ્યા હતા એનો પણ સ્પર્ધકોએ વિરોધ કર્યો હતો.
શુક્રવારે બપોરે સ્પર્ધકો અને કોરિયોગ્રાફરો રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠનના રાઘવ ભટનાગર ૩ સભ્યો સાથે રિહર્સલના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે મહિલાઓએ પહેરેલાં ટૂંકાં કપડાં માટે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે ‘મહિલાઓએ જે કપડાં પહેર્યાં છે એ ઉત્તરાખંડની સંસ્કૃતિની વિરુદ્ધ છે એટલે આ કાર્યક્રમને પરવાનગી નહીં આપવામાં આવે. તમારે આ કાર્યક્રમ તમારા ઘરે જ કરવો જોઈએ. ઉત્તરાખંડની પવિત્ર નગરીમાં આ નહીં ચાલે.’
કાર્યક્રમના સંયોજકે દલીલ કરી હતી કે આ બધું સ્પર્ધકોની સહમતીથી જ થઈ રહ્યું છે.
વિવાદ વકરી રહ્યો હોવાનું જોઈને હોટેલના ઍડ્મિનિસ્ટ્રેશને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બન્ને પક્ષોને શાંત કર્યા હતા. લાયન્સ ક્લબ રૉયલનું કહેવું છે કે આ પ્રતિયોગિતા માત્ર મહિલાઓના સશક્તીકરણ અને આત્મવિશ્વાસ અપાવવાના ઉદ્દેશથી કરાવવામાં આવે છે, જ્યારે હિન્દુ સંગઠનનો તર્ક છે કે તેમને છોકરીઓનાં ટૂંકાં કપડાંથી જ આપત્તિ છે.
પાંચ વર્ષથી થાય છે આ સ્પર્ધા
લાયન્સ ક્લબ રૉયલના ડિરેક્ટર ધીરજ મખીજાના કહેવા મુજબ છેલ્લાં પાંચ વર્ષથી લાયન્સ ક્લબ રૉયલ દ્વારા મિસ હૃષીકેશ સ્પર્ધાનું આયોજન થાય છે. આ આયોજન લાયન્સ દિવાળી મહોત્સવ અંતર્ગત કરવામાં આવે છે જે સ્થાનિક મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે મંચ પૂરો પાડવા માટે હોય છે. આ સ્પર્ધામાં જીતેલી સ્પર્ધકો મિસ ઉત્તરાખંડ પ્રતિયોગિતામાં ભાગ લે છે. ૦૦૦


