Rajnath Singh on PoK: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારત સાથે ઊંડો સંબંધ ધરાવે છે અને તેઓ આપણા પોતાના છે એમ કહ્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે
રાજનાથ સિંહની ફાઇલ તસવીર
ભારત (India)ના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી પાકિસ્તાન (Pakistan)ની ઊંઘ ઉડી ગઈ છે. તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan occupied Kashmir - PoK) વિશે મોટું નિવેદન આપ્યું છે. રાજનાથે દિલ્હી (New Delhi)માં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે PoKમાં રહેતા મોટાભાગના લોકો ભારત સાથે ઊંડો સંબંધ અનુભવે છે, ફક્ત થોડા જ લોકો ગેરમાર્ગે દોરાયા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં એક કાર્યક્રમમાં PoKના લોકો આપણા જ તેવું કહ્યું હતું. તેમણે કહ્યું કે, ‘પીઓકએમાં રહેતા મોટાભાગના લોકો ભારત સાથે ઊંડો સંબંધ ધરાવે છે. માત્ર થોડાક જ લોકો ગેરમાર્ગે દોરાઇ ગયા છે. પીઓકેમાં રહેતા આપણા ભાઈઓની સ્થિતિ બહાદુર યોદ્ધા મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિ સિંહ જેવી જ છે. ભારત હંમેશા હૃદયને જોડવાની વાત કરે છે. પીઓકેના લોકો આપણા પોતાના છે. આપણે `એક ભારત, મહાન ભારત` ના સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ. પ્રેમ, એકતા અને સત્યના માર્ગ પર ચાલતા, એ દિવસ દૂર નથી જ્યારે આપણો પોતાનો ભાગ POK પાછો આવશે અને કહેશે, હું ભારત છું, હું પાછો આવ્યો છું.’
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર વિશે બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતની સ્વદેશી પ્રણાલીઓએ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું કારણ કે અમારા પ્લેટફોર્મ, પ્રણાલીઓએ તેમની તાકાત બતાવી. ઓપરેશન સિંદૂર દરમિયાન અમે પાકિસ્તાનને વધુ નુકસાન પહોંચાડી શક્યા હોત, પરંતુ અમે સંયમ રાખ્યો.’
તેમણે ઉમેર્યું કે, ‘પાકિસ્તાનને આતંકવાદના વ્યવસાયને ચલાવવાની ભારે કિંમતનો અહેસાસ થયો છે. અમે આતંકવાદ સામે ભારતના વલણને ફરીથી ઘડ્યું છે અને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે. અમે પાકિસ્તાન સાથેના અમારા સંબંધો અને વાતચીતના અવકાશને ફરીથી વ્યાખ્યાયિત કર્યા છે. હવેથી, જ્યારે પણ વાતચીત થશે, તે ફક્ત આતંકવાદ અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) વિશે જ હશે. પાકિસ્તાન સાથે અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા થશે નહીં.’
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘ભારતની સંરક્ષણ નિકાસ હવે ૨૩,૫૦૦ કરોડ રૂપિયાના રેકોર્ડ આંકડા પર પહોંચી ગઈ છે. આજે આપણે ફક્ત ફાઇટર એરક્રાફ્ટ કે મિસાઇલ સિસ્ટમ જ નથી બનાવી રહ્યા. આપણે નવા યુગની યુદ્ધ ટેકનોલોજી માટે પણ તૈયારી કરી રહ્યા છીએ. આજે એ સાબિત થયું છે કે ભારતની સુરક્ષા અને સમૃદ્ધિ બંને માટે સંરક્ષણમાં મેક-ઇન-ઇન્ડિયા જરૂરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે, એડવાન્સ્ડ મલ્ટિરોલ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટને આગળ વધારવા માટેના એક્ઝિક્યુશન મોડેલને બે દિવસ પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. આનાથી ભારતની સંરક્ષણ ક્ષમતા મજબૂત થશે અને દેશના એરોસ્પેસ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે. AMCA પ્રોજેક્ટ હેઠળ, પાંચ પ્રોટોટાઇપ વિકસાવવાની યોજના છે, જેનું ઉત્પાદન પછીથી શ્રેણીબદ્ધ કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રને જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે મેગા સંરક્ષણ પ્રોજેક્ટમાં ભાગ લેવાની તક મળશે.’

