પાકિસ્તાની ગોળીબારના પીડિત પરિવારો સાથે પૂંછ જઈને રાહુલ ગાંધીએ કરી મુલાકાત
ગઈ કાલે પૂંછમાં પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત વિસ્તારમાં અને જીવ ગુમાવનાર વિહાન ભાર્ગવના પરિવાર સાથે રાહુલ ગાંધી.
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બીજી વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. ગઈ કાલે પૂંછ ખાતે તેમણે પાકિસ્તાનના ગોળીબારમાં જીવ ગુમાવનારા લોકોના સ્વજનો અને ઘાયલ લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન રાહુલ ગાંધીએ ગોળીબારથી પ્રભાવિત લોકોની વ્યથા સાંભળી હતી. રાહુલ ગાંધી સ્કૂલનાં બાળકોને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે ‘હું તમને પ્રેમ કરું છું. બધું જલદી સારું થઈ જશે. તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ ભણો, ખૂબ રમો અને સ્કૂલમાં ઘણાબધા મિત્રો બનાવો.’
પીડિત પરિવારો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ ભયાવહ ઘટના હતી. અહીં ઘણા લોકોના જીવ ગયા છે. મેં પીડિતો સાથે મુલાકાત કરી અને વાત કરી. હું પરિસ્થિતિ અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ મુદ્દાને હું રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશ.’
ADVERTISEMENT
પૂંછમાં જે ગુરુદ્વારામાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો ત્યાં પણ રાહુલ ગાંધી પહોંચ્યા હતા. ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પૂંછમાં LoCની નજીક છે જેના પર પાકિસ્તાની સેનાના હુમલામાં અમરીક સિંહ, અમરજિત સિંહ, રંજિત સિંહ અને રુબી કૌરનો જીવ ગયો હતો.


