Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ દોષી છે અથવા અક્ષમ છે, નરેન્દ્ર મોદી તેમને બરખાસ્ત કરે

અમિત શાહ દોષી છે અથવા અક્ષમ છે, નરેન્દ્ર મોદી તેમને બરખાસ્ત કરે

Published : 30 July, 2026 09:45 AM | Modified : 30 July, 2026 09:46 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકસભામાં બોલવા ન દેવાયો એવો આક્ષેપ કરીને પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ૨૦ જુલાઈની સંસદકૂચ દરમ્યાન ગૃહપ્રધાને પૅલેટ ગન ચલાવવાનો આદેશ આપ્યો હતો એટલે તેઓ દોષી છે, અને જો તેમની જાણ બહાર પૅલેટ ગન વાપરવાનો નિર્ણય લેવાયો હોય તો તેઓ અક્ષમ છે

દિલ્હીમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધી.

દિલ્હીમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધી.


લોકસભામાં વ્યાપક હોબાળા અને ચર્ચા વચ્ચે પેપર-લીક વિરોધી બિલ પસાર થયાના થોડા કલાકો પછી વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ‘વિપક્ષના નેતા તરીકે જાહેર જનતા અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ ઉઠાવવાનો મને લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ મને ગૃહની અંદર બોલવા દેવામાં આવ્યો નહોતો. હું વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામેની ક્રૂરતાનો મુદ્દો ઉઠાવવા માગતો હતો. વિદ્યાર્થીઓ પર પૅલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર છે. અમિત શાહે પૅલેટ ગન ચલાવવા કહ્યું હતું અથવા તેમને આની જાણકારી નહોતી, આથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ગૃહપ્રધાનપદેથી હટાવે.’ 
મેં સ્પીકરને ઘણી વાર વિનંતી કરી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓને પણ વિનંતી કરી, પરંતુ મને બોલવા દેવામાં આવ્યો નહી એમ જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને પૅલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમણે ગોળીઓ ચલાવી હતી તેઓ ગૃહપ્રધાન અમિત શાહને રિપોર્ટ કરે છે. એક છોકરાને પૅલેટ ગનની ગોળી વાગી હતી અને તેની આંખ ગુમાવવાનું જોખમ છે અને તે દૃષ્ટિ ગુમાવી શકે છે. મેં તેનું મેડિકલ સર્ટિફિકેટ જોયું છે જે દર્શાવે છે કે તેને ગોળી વાગી હતી. ફક્ત સામાન્ય લાકડી જ નહીં, પણ શૉક બેટન અને ખીલી જડેલી લાકડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.’ 
અમિત શાહને પદ પરથી હટાવવાના મુદ્દે બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મેં લોકસભામાં માત્ર એટલું જ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પરની ક્રૂરતા માટે અમિત શાહ જવાબદાર છે. મને એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે જો હું માફી માગીશ તો મને ગૃહમાં બોલવા દેવામાં આવશે. હું BJP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની માફી માગીશ નહીં. અમિત શાહને પદ પરથી હટાવો અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસનો આદેશ આપો. વિદ્યાર્થીઓ સાથે જે બન્યું અેની નૈતિક જવાબદારી લો.’

અમિત શાહ વાકેફ હતા ઃ રાહુલ
ગૃહપ્રધાન અમિત શાહની તસવીર તરફ ઇશારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘તે આપણા દેશના ગૃહપ્રધાન છે. ગૃહમંત્રાલય સાથે જોડાયેલાં પોલીસ દળો અથવા સુરક્ષા દળો દ્વારા લેવામાં આવતી કોઈ પણ કાર્યવાહી માટે તેમના આદેશની જરૂર હોય છે. જ્યારે અમે સંસદ ભવનમાં હતા ત્યારે મેં મારી પોતાની આંખે અમિત શાહને પોલીસ-અધિકારીઓને બોલાવતા જોયા હતા. મેં મારી સગી આંખોથી આ જોયું હતું. મેં ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહને અમિત શાહના સતત ફોન આવતા જોયા હતા. જંતર મંતર પર શું થઈ રહ્યું છે અેનાથી તેઓ સારી રીતે વાકેફ હતા. અમિત શાહ દોષી હોવાથી લોકસભામાં આવ્યા નહોતા, નહીં તો તેઓ જવાબ આપી શક્યા હોત.’



રાજ્યસભામાં વંદે માતરમ‍્‍્ બિલ પસાર, હવે એનું અપમાન કરવા બદલ ૩ વર્ષની સજા થશે


રાજ્યસભાએ ‘વંદે માતરમ‍્’ને કાનૂની રક્ષણ આપતું અને રાષ્ટ્રીય ગીત પ્રત્યે અવરોધ અથવા અનાદરનાં ચોક્કસ કૃત્યોને ફોજદારી ગુનો બનાવતું પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ‍્સ ટુ નૅશનલ ઑનર (અમેન્ડમેન્ટ) બિલ, 2026 પસાર કર્યું છે. આ કાયદો ‘વંદે માતરમ‍્’ના અપમાનજનક ગણાતા આચરણ માટે સ્પષ્ટ કાનૂની પરિણામો સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આ સુધારો હવે ‘વંદે માતરમ‍્’ને કાનૂની રક્ષણ પૂરું પાડશે. બિલ અનુસાર અેનું ઇરાદાપૂર્વક અપમાન કરવું અથવા અેના ગાનમાં અવરોધ ઊભો કરવો હવે ફોજદારી ગુનો ગણવામાં આવશે. વિપક્ષના વિરોધ અને હોબાળા વચ્ચે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સન્માન સાથે સંકળાયેલાં પ્રતીકોને કાનૂની રક્ષણ પૂરું પાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ બિલમાં રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન સાથે સંકળાયેલા ગુનાઓ માટે મહત્તમ ૩ વર્ષની જેલની જોગવાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 09:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK