Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાના રામ મંદિરની દાનચોરીની પ્રાથમિક તપાસ સમાપ્ત

અયોધ્યાના રામ મંદિરની દાનચોરીની પ્રાથમિક તપાસ સમાપ્ત

Published : 22 June, 2026 11:57 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૧૪૦ પાનાંનો અહેવાલ સોંપાયો: CCTV કૅમેરાનાં ગુમ ફુટેજ અને દાનના રેકૉર્ડમાં ગરબડની આશંકા વચ્ચે શંકાસ્પદો અને ટ્રસ્ટના પદાધિકારીઓને અયોધ્યાની બહાર જવા પર પ્રતિબંધ : અનેક મોટાં માથાં પર લટકતી તલવાર

અયોધ્યા રામ મંદિર

અયોધ્યા રામ મંદિર


અયોધ્યાના રામ મંદિર વિવાદમાં હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા પોતાની તપાસનો પ્રાથમિક અહેવાલ ગઈ કાલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળીને સોંપી દેવામાં આવ્યો છે અને વિસ્તૃત અહેવાલ માટે સમયની માગણી કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા અનુસાર જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ આ સમગ્ર કૌભાંડ વધારે મોટું થઈ રહ્યું છે એટલે હાલમાં પ્રાથમિક અહેવાલ બાદ તપાસ આગળ વધારવા માટે યોગી આદિત્યનાથ પાસે સમયની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રસ્ટ સાથે અને મંદિર સાથે જોડાયેલા તમામ શકમંદોને અયોધ્યા ન છોડવા માટે તાકીદ કરવામાં આવી છે. 

૧૪૦થી વધુ પાનાંનો અહેવાલ તૈયાર : અયોધ્યામાં રામ મંદિરમાંથી દાનચોરીનો અને નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રચાયેલી SITએ પોતાની પ્રાથમિક તપાસ પૂરી કરી લીધી હતી અને ૧૪૦થી વધુ પાનાંનો વિસ્તૃત અહેવાલ ચીફ મિનિસ્ટર્સ ઑફિસ (CMO)ને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી હતી.



FIR નોંધાવવાની તૈયારી : આ પ્રાથમિક તપાસ અહેવાલના આધારે SIT હવે આ સમગ્ર પ્રકરણમાં સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરાવવાની તૈયારી કરી રહી છે. આ ઍક્શન બાદ કૌભાંડમાં સંલગ્ન કર્મચારીઓ સામે કાનૂની સકંજો વધુ કસવામાં આવશે. જોકે કેટલાંક મોટાં માથાં હોવાથી મુખ્ય પ્રધાનના આદેશની રાહ જોવાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. 


CCTV કૅમેરાનાં ફુટેજ ગુમ થતાં શંકા ઘેરી બની : તપાસ દરમ્યાન દાનની રકમના રેકૉર્ડ અને ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા. કેટલાક મહત્ત્વના દિવસોનાં ફુટેજ ઉપલબ્ધ ન હોવાથી અથવા એને કથિત રીતે ડિલીટ કરાયાં હોવાની આશંકાને પગલે ડેટા રિકવર કરવા માટે ટેક્નિકલ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે જેમાં થોડો સમય લાગી રહ્યો છે. 

૧૫૦ લોકોની આકરી પૂછપરછ : તપાસ દરમ્યાન SITએ રામ મંદિરમાં રોકડ અને આભૂષણોની ગણતરી સાથે જોડાયેલા કર્મચારીઓ, મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ અને બૅન્કના અધિકારીઓ સહિત અંદાજે ૧૫૦ લોકોની સઘન પૂછપરછ કરી હતી.


નિવેદનોમાં વિરોધાભાસ અને ટ્રસ્ટનાં મોટાં નામો તપાસ હેઠળ : પૂછપરછ દરમ્યાન કેટલાક પદાધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓનાં નિવેદનોમાં મોટો વિરોધાભાસ સામે આવ્યો હતો, જેના આધારે વધારાના દસ્તાવેજો મગાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રસ્ટ સાથે જોડાયેલાં કેટલાંક અગ્રણી નામો પણ હાલ તપાસના દાયરામાં આવી ગયાં છે. 

અયોધ્યા છોડવા પર પ્રતિબંધ : SITએ તપાસ દરમ્યાન સંદેહના ઘેરામાં આવેલા તમામ કર્મચારીઓ અને ટ્રસ્ટના પદાધિકારીઓને પરવાનગી વગર અયોધ્યા જિલ્લાની બહાર ન જવા માટે કડક આદેશ આપ્યો છે.

રામ મંદિર પછી મસ્જિદોના હિસાબોમાં પણ ગોટાળા

બહરાઇચની ગાઝી મિયાં દરગાહમાં કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ, ૧૦ વર્ષના ચડાવાનો હિસાબ નહીં

અયોધ્યાના રામ મંદિરમાં ચડાવાની કથિત ચોરી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે બહરાઇચમાં હઝરત સૈયદ સાલાર મસૂદ ગાઝી (ગાઝી મિયાં) દરગાહમાં કરોડો રૂપિયાની ઉચાપત અને નાણાકીય અનિયમિતતાના આરોપો સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના લઘુમતી મોરચાના પ્રદેશ-પ્રમુખ કુંવર બાસિત અલીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને સમગ્ર મામલાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસની માગણી કરી છે. જિલ્લા-મૅજિસ્ટ્રેટે દરગાહ પર ચડાવવામાં આવેલા દાનનો ૧૦ વર્ષનો રેકૉર્ડ માગ્યો ત્યારે જવાબદાર લોકો કોઈ માહિતી આપી શક્યા નહીં. આ રેકૉર્ડ ન મળતાં તેમણે વક્ફ બોર્ડને પત્ર લખીને તપાસની વિનંતી કરી હતી. રેકૉર્ડના અભાવે મોટા કૌભાંડની શક્યતા નકારી શકાય નહીં. તપાસમાં એક જ કર્મચારીની નિમણૂક વિશે પણ સવાલો ઊભા થયા હતા, જ્યારે સમિતિનો દાવો છે કે હાલમાં ૧૭૦ કર્મચારીઓ કાર્યરત છે.

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 11:57 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK