આ પ્રવાહોમાં ઉત્પાદન, કૃષિ, ટેક્નૉલૉજી, ગતિશક્તિ, સંરક્ષણ, ગ્રીન એનર્જી અને સૉફ્ટ પાવરનો સમાવેશ છે. તેમના પ્રવચનમાં તેમણે આ મુદ્દે શું કહ્યું હતું એના પર એક નજર
ગઈ કાલે લાલ કિલ્લા પર ૮૦મા સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં સામેલ વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાદિવસના ભાષણમાં ૭ પ્રવાહોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ સપ્તધારા ભારતની તાકાત છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનવા તરફ ભારતની યાત્રાને શક્તિ આપશે. આ પ્રવાહોમાં ઉત્પાદન, કૃષિ, ટેક્નૉલૉજી, ગતિશક્તિ, સંરક્ષણ, ગ્રીન એનર્જી અને સૉફ્ટ પાવરનો સમાવેશ છે. તેમના પ્રવચનમાં તેમણે આ મુદ્દે શું કહ્યું હતું એના પર એક નજર
ઉત્પાદનશક્તિ
ADVERTISEMENT
વડા પ્રધાને કૉમ્પોનન્ટ્સ અને ડિઝાઇનથી લઈને તૈયાર ઉત્પાદનો સુધીની સમગ્ર મૂલ્ય-શૃંખલાને ભારતમાં વિકસાવવાની હાકલ કરીને કહ્યું હતું કે ‘હું જ્યારે સપ્તધારાની વાત કરું છું ત્યારે શક્તિનો પહેલો પ્રવાહ ઉત્પાદનશક્તિ છે. ભારતે એના ઉત્પાદનક્ષેત્રને એક નવા સ્તરે લઈ જવું જોઈએ અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિશ્વસનીય કેન્દ્ર બનવું જોઈએ. ભારતીય ઉત્પાદને ખર્ચ, ગુણવત્તા અને સ્કેલ પર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવી જોઈએ, જેમાં ઝીરો ડિફેક્ટ અને ચોકસાઈ ઉત્પાદન ભારતની ઓળખ બનશે.’
કૃષિ અને ફૂડ-પ્રોસેસિંગ
બીજો પ્રવાહ કૃષિ અને ફૂડ-પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ખાદ્યશક્તિ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને ભારતની નિકાસ મહત્ત્વાકાંક્ષાઓ અને કૃષિઉત્પાદનમાંથી વધુ મૂલ્ય બનાવવાની જરૂરિયાત સાથે જોડ્યું હતું. તેમણે ખેડૂતોને વૈશ્વિક ખાતરના ભાવમાં અસ્થિરતાથી બચાવવા માટેના સરકારના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘યુરિયાની એક થેલીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ ૩૦૦૦ રૂપિયા છે, પણ ભારતીય ખેડૂતોને એ માત્ર ૩૦૦ રૂપિયામાં પૂરી પાડવામાં આવી રહી છે. એવી જ રીતે ડાયઅમોનિયમ ફૉસ્ફેટ (DAP)ની કિંમત વૈશ્વિક બજારમાં લગભગ ૫૦૦૦ રૂપિયા છે જેને માત્ર ૧૩૫૦ રૂપિયામાં પૂરી પાડવામાં આવી રહી છે.’
ટેક્નૉલૉજી અને ઇનોવેશન
ટેક્નૉલૉજી અને ઇનોવેશન સપ્તધારાના ત્રીજા પ્રવાહની વાત કરે છે જેમાં વડા પ્રધાન એમને ભારતના ભાવિ વિકાસના મુખ્ય ચાલક તરીકે સ્થાન આપે છે. ભારતની તકનીકી ક્ષમતાઓને મજબૂત બનાવવા અને ઇનોવેશન વિકસિત ભારતયાત્રાનું એક મહત્ત્વપૂર્ણ એન્જિન બને એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગતિશક્તિ
ચોથો પ્રવાહ ગતિશક્તિ છે જે વિશ્વકક્ષાની હાઈ-સ્પીડ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર કેન્દ્રિત છે. વડા પ્રધાને કહ્યું હતું કે ભારતના આર્થિક વિસ્તરણ માટે સીમલેસ કનેક્ટિવિટી મહત્ત્વપૂર્ણ રહેશે જે દેશની માળખાગત સુવિધા અને સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવતી વખતે માલ, સેવાઓ અને લોકોને ઝડપથી આગળ વધવામાં મદદ કરશે.
સંરક્ષણશક્તિ અને આત્મનિર્ભર સંરક્ષણ
પાંચમો પ્રવાહ સંરક્ષણશક્તિ અને આત્મનિર્ભર સંરક્ષણ છે, જેનો ઉદ્દેશ આત્મનિર્ભરતા દ્વારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંરક્ષણ આત્મનિર્ભરતા પર ભાર તેમની વ્યાપક દલીલ વચ્ચે આવે છે કે દેશો વધુ ને વધુ એમનાં પોતાનાં વ્યૂહાત્મક સંસાધનો અને પુરવઠો સુરક્ષિત કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે ‘પેટ્રોલ અને ડીઝલથી લઈને ખાતરો, દવાઓ અને ટેક્નૉલૉજી ચિપ્સ સુધીનાં સંસાધનોનું વૈશ્વિક સ્તરે વેપનાઇઝેશન થઈ રહ્યું છે. આવા વાતાવરણમાં આત્મનિર્ભરતા માટે ભારતનો પ્રયાસ વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બન્યો છે.’
ગ્રીન ઇકૉનૉમી અને બ્લુ ઇકૉનૉમી
છઠ્ઠો પ્રવાહ ગ્રીન ઇકૉનૉમી અને બ્લુ ઇકૉનૉમીને જોડે છે જે ભારતનાં જમીન અને દરિયાઈ ક્ષેત્રોમાં ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડા પ્રધાને ભારતના વિશાળ દરિયાકાંઠા અને માછીમારી સમુદાયોને વૈશ્વિક વેપાર તકોના વિસ્તરણથી લાભ મેળવવાની સંભાવના પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતના ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે સીફૂડ જેવાં ક્ષેત્રો નિકાસ વધારવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ ઍક્સેસનો ઉપયોગ કરી શકે છે.
ભારતનો સૉફ્ટ પાવર
સાતમો પ્રવાહ ભારતનો સૉફ્ટ પાવર છે જે એના વૈશ્વિક સાંસ્કૃતિક અને રાજદ્વારી પ્રભાવને વિસ્તૃત કરવાની દેશની મહત્ત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. આ મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ‘ભારતે ૨૦૧૪થી લગભગ ૪૦ દેશો સાથે FTA કરાર કર્યા છે. ભારતના માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)એ એમનાં ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં લઈ જવાની તકનો લાભ લેવો જોઈએ.’
નરેન્દ્ર મોદીએ ૪ વર્ષમાં સૌથી ટૂંકું, માત્ર ૭૫ મિનિટનું સ્વતંત્રતાદિવસનું ભાષણ આપ્યું
૮૦મા સ્વતંત્રતાદિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ગઈ કાલે ૭૫ મિનિટનું ભાષણ આપ્યું હતું, જે છેલ્લાં ૪ વર્ષમાં તેમનું સૌથી ટૂંકું અને અત્યાર સુધીનું ચોથું સૌથી ટૂંકું ભાષણ બન્યું હતું. વડા પ્રધાને ૨૦૧૭માં તેમનું સૌથી ટૂંકું ભાષણ (૫૬ મિનિટ) આપ્યું હતું. ગયા વર્ષે તેમણે ૧૦૩ મિનિટનું તેમનું સૌથી લાંબું સ્વતંત્રતાદિવસનું ભાષણ આપ્યું હતું.
નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી એ વર્ષે ૨૦૧૪માં ૬૫ મિનિટ, ૨૦૧૫માં ૮૮ મિનિટ, ૨૦૧૬માં ૯૬ મિનિટ, ૨૦૧૭માં ૫૬ મિનિટ, ૨૦૧૮માં ૮૩ મિનિટ, ૨૦૧૯માં ૯૨ મિનિટ, ૨૦૨૦માં ૯૦ મિનિટ, ૨૦૨૧માં ૮૮ મિનિટ, ૨૦૨૨માં ૭૪ મિનિટ, ૨૦૨૩માં ૯૦ મિનિટ, ૨૦૨૪માં ૯૮ મિનિટ અને ૨૦૨૫માં ૧૦૩ મિનિટ ભાષણ કર્યું હતું.
લાલ કિલ્લા પરથી સતત ૧૩મી વખત દેશનું નેતૃત્વ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના ૧૨ વખતના રેકૉર્ડને પાછળ છોડી દીધો હતો. હવે તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી પાછળ છે, જેમણે સતત ૧૭ વખત આ સિદ્ધિ મેળવી હતી.
ફિલ્મો, આયુર્વેદ, હસ્તકલા, VFX, યોગ અને ગેમિંગ જેવા ભારતના સૉફ્ટ પાવરની અપાર તાકાત છે : નરેન્દ્ર મોદી
લાલ કિલ્લા પર રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૉફ્ટ પાવરને વ્યૂહાત્મક રીતે આગળ વધારવા માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘સૉફ્ટ પાવરમાં યોગ, આયુર્વેદ, સર્વાંગી આરોગ્યસંભાળ, હસ્તકલા, ફિલ્મો, VFX, ઍનિમેશન, ગેમિંગ અને ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે જે ભારતના વૈશ્વિક પ્રભાવને મજબૂત બનાવી શકે છે. ભારતના આ સૉફ્ટ પાવરની તાકાત અપાર છે. આપણી પાસે સૉફ્ટ પાવરની શક્તિ દ્વારા વિદેશી પ્રવાસીઓને આકર્ષવાની તક છે.’
યોગ, આયુર્વેદ આઉટરીચ
યોગ અને આયુર્વેદના મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ‘યોગ પહેલેથી જ ભારતને વિશ્વભરના લોકો સાથે જોડી ચૂક્યો છે અને એ વધુ ને વધુ ઊર્જા અને વિશ્વાસનો સ્રોત બની રહ્યો છે. ભારતના આયુર્વેદ અને સર્વાંગી આરોગ્યસંભાળની પરંપરાઓ તરફ પણ વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. આને હીલિંગ ઇન્ડિયા ચળવળ દ્વારા વિશ્વ સુધી પહોંચાડી શકાય છે.’
હસ્તકલા, VFX અને ગેમિંગ
વડા પ્રધાને ભારતની ક્રીએટિવ ઇકૉનૉમીની સંભાવના પર પણ ભાર મૂક્યો હતો જેમાં હસ્તકલા, ફિલ્મો, VFX, ઍનિમેશન, ગેમિંગ અને ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રે પણ ભારત દુનિયામાં એની તાકાત બતાવી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે ભારતના પ્રયાસોથી આ કાર્યક્રમને મોટો વેગ મળ્યો છે અને વિશ્વ ધીમે-ધીમે દેશના વૈશ્વિક મનોરંજન સમિટની રાહ જોવા લાગ્યું છે. એ વૈશ્વિક પ્રેક્ષકોને ભારતની સૉફ્ટ પાવર અને ક્રીએટિવ વર્લ્ડનો પરિચય કરાવશે.’
ટૂરિઝમ સૉફ્ટ પાવર
ભારતનાં જંગલો, ૧૦૦થી વધુ નૅશનલ પાર્ક અને કુદરતી સંપત્તિ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે નોંધપાત્ર તક આપે છે, પરંતુ આપણે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે પૂરતું કામ કર્યું નથી એમ જણાવીને વડા પ્રધાને કહ્યું હતું કે ‘આપણી પાસે રહેલા આપણા સૉફ્ટ પાવર દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને ભારત તરફ આકર્ષિત કરવાની તક છે. આપણે આપણી ક્ષમતાઓ વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની છે.’
