માર્કેટિંગ પ્રધાન અને APMC ચૅરમૅન જયકુમાર રાવલે પાંચેય માર્કેટ યાર્ડનું નિરીક્ષણ કર્યા પછી અને વેપારીઓ, ખેડૂતો, માથાડી કામદારો અને અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી રોડમૅપની જાહેરાત કરી
ફાઇલ તસવીર
જૂની થઈ રહેલી વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)નું ટૂંક સમયમાં રીડેવલપમેન્ટ થવાની શક્યતા છે, કારણ કે અધિકારીઓ બે મહિનામાં એના લાંબા સમયથી મુશ્કેલીમાં રહેલા
કાંદા-બટાટાબજારના ભાવિ વિશે નિર્ણય લેવાની યોજના બનાવી રહ્યા છે અને એક વર્ષમાં ધીમે-ધીમે ડિજિટલ, કૅશલેસ વ્યવહારો તરફ પણ માર્કેટ શિફ્ટ કરાશે. આ સુધારાનો હેતુ બજારને એશિયાની ટૉપની બજારો સાથે સ્પર્ધા કરવા સક્ષમ આધુનિક ટ્રેડિંગ હબમાં રૂપાંતરિત કરવાનો પણ છે.
ADVERTISEMENT
માર્કેટિંગ પ્રધાન અને APMC ચૅરમૅન જયકુમાર રાવલે પાંચેય માર્કેટ યાર્ડનું નિરીક્ષણ કર્યા પછી અને વેપારીઓ, ખેડૂતો, માથાડી કામદારો અને અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી રોડમૅપની જાહેરાત કરી હતી.
તાત્કાલિક ચિંતા બજારના જૂના સ્ટ્રક્ચરની ગંભીર સ્થિતિ છે જેમાંથી મોટા ભાગના ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાના છે. કાંદા-બટાટાબજારને ૨૦૦૫થી જોખમી કૅટેગરીમાં મૂકવામાં આવ્યું છે અને તાજેતરમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) દ્વારા એને કામગીરી બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
જયકુમાર રાવલે જણાવ્યું હતું કે ‘મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જારી કરાયેલી નોટિસના આધારે સંબંધિત વેપારીઓ સાથે ચર્ચા કર્યા પછી આગામી બે મહિનામાં કાંદા-બટાટા માર્કેટના ભવિષ્ય વિશે નિર્ણય લેવામાં આવશે. એ જ સમયે મસાલાબજારમાં સેન્ટ્રલ બિલ્ડિંગના પુનર્વિકાસનો મુદ્દો પણ ઉકેલવામાં આવશે.’
મસાલાબજારમાં અત્યંત જોખમી સેન્ટ્રલ ફેસિલિટી બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે. ફ્રૂટ માર્કેટની છત પરથી પ્લાસ્ટર પડવાનું શરૂ થયા પછી તાત્કાલિક સમારકામની જરૂર છે. અધિકારીઓને લીકેજ બંધ કરવા અને જ્યાં જરૂર હોય ત્યાં સમારકામ, રીડેવલપમેન્ટ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
કૅશલૅસ આર્થિક વ્યવહારો
બજારના વ્યવહારો ડિજિટલ મેકઓવર માટે પણ સેટ છે. જયકુમાર રાવલે જણાવ્યું હતું કે ‘ડિજિટલ અને ઑનલાઇન ચુકવણી તરફ આગળ વધવાની પ્રક્રિયા એક વર્ષની અંદર શરૂ થશે અને આગામી બેથી ત્રણ વર્ષમાં મોટા ભાગના વ્યવહારો કૅશલેસ થવાની ધારણા છે. પ્રસ્તાવિત સિસ્ટમમાં ટ્રક બજારમાં પ્રવેશ કરે એ ક્ષણથી લઈને કાર્ગો ઉતારવા સુધી કૃષિ પેદાશોની હેરફેરને આવરી લેવામાં આવશે. અધિકારીઓ FASTag એન્ટ્રી, વાહનની હેરફેર અને કાર્ગો ઉતારવાની પ્રક્રિયાઓમાં સમસ્યાઓના નિરાકરણ પર પણ કામ કરશે.’
