મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી તો પછી તેનું અપમાન કેમ? રાજપરિવારોમાં જન્મેલા યુવરાજ ગરીબ માતાની તપસ્યા અને તેના પુત્રની પીડા સમજી શકતા નથી
ગઈ કાલે બિહારની મહિલાઓને વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા નરેન્દ્ર મોદી.
બિહારમાં એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં સ્વર્ગસ્થ માતા પર અપશબ્દોથી ભરેલા નારાઓ બોલવા બદલ નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કૉન્ગ્રેસ પર આકરા પ્રહારો કરીને આ અપમાનને દેશભરની મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. આ મુદ્દે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘રાજકીય મંચ પરથી મારી મૃત્યુ પામેલી માતાનું આ રીતે અપમાન કરવામાં આવશે એ અકલ્પનીય હતું. માતા આપણી દુનિયા છે, માતા આપણું સ્વાભિમાન છે. પરંપરાથી ભરપૂર બિહારમાં થોડા દિવસ પહેલાં શું થયું એની મેં કલ્પના પણ નહોતી કરી. બિહારમાં RJD-કૉન્ગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો બોલવામાં આવ્યા હતા.’
સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓમાં ઉદ્યોગ-સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક નવી સહકારી પહેલના લૉન્ચિંગ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વિડિયો-કૉન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેઓ બીજું શું-શું બોલ્યા એ જુઓ...
ADVERTISEMENT
આ દુર્વ્યવહાર ફક્ત મારી માતાનું અપમાન નથી. આ દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓનું અપમાન છે. હું જાણું છું કે આ જોઈ અને સાંભળીને તમને બધાને, બિહારની દરેક માતાને કેટલું ખરાબ લાગ્યું હશે. હું જાણું છું કે મારા હૃદયમાં જેટલું દુઃખ છે, બિહારના લોકો પણ એ જ દુઃખમાં છે.
મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નહોતી તો પછી RJD અને કૉન્ગ્રેસે તેમનું અપમાન કેમ કર્યું? જે લોકો આવું અપમાન કરે છે તેઓ મહિલાઓને નબળી માનવાની માનસિકતા દર્શાવે છે. બિહારમાં કૉન્ગ્રેસની મતદાર અધિકાર યાત્રા દરમ્યાન બનેલી ઘટનાએ ફક્ત તેમનું જ નહીં, દેશની દરેક મહિલાનું અપમાન કર્યું છે.
મારી માતાએ અમને બધાને ખૂબ જ ગરીબીમાં ઉછેર્યા. તેઓ ક્યારેય પોતાના માટે નવી સાડી ખરીદતા નહોતા અને અમારા પરિવાર માટે એક-એક પૈસો બચાવતાં હતાં. મારી માતાની જેમ મારા દેશની કરોડો માતાઓ દરરોજ તપસ્યા કરે છે.
રાજપરિવારોમાં જન્મેલા આ યુવરાજ ગરીબ માતાની તપસ્યા અને તેના પુત્રની પીડા સમજી શકતા નથી. તેઓ મોંમાં ચાંદીનો ચમચો લઈને જન્મ્યા હતા.
જે માનસિકતા માતાનું અપમાન કરે છે, જે માનસિકતા બહેનનું અપમાન કરે છે એ સ્ત્રીઓને નબળી માને છે. આ માનસિકતા સ્ત્રીઓને શોષણ અને જુલમનો ભોગ માને છે. તેથી જ્યારે પણ સ્ત્રીવિરોધી માનસિકતા સત્તામાં આવે છે ત્યારે માતાઓ, બહેનો અને પુત્રીઓએ સૌથી વધુ સહન કર્યું છે.


