Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પતંજલિ આયુર્વેદને પડકારનારા IMAનો વારો કાઢ્યો અદાલતે

પતંજલિ આયુર્વેદને પડકારનારા IMAનો વારો કાઢ્યો અદાલતે

08 May, 2024 08:52 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાઇડલાઇન્સ ફૉર મિસલીડિંગ ઍડ્વર્ટાઇઝમેન્ટના નિયમની ૧૩મી કલમમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત કરનારી સેલિબ્રિટીને સંબંધિત સેવા કે પ્રોડક્ટ વિશે પૂર્ણ જાણકારી હોવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભ્રામક જાહેરાતોના સંદર્ભમાં બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદની સામે ફરિયાદ કરનારા ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ની હવે સુપ્રીમ કોર્ટે ક્લાસ લીધો છે. કોર્ટના સખત વલણના પગલે બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મૅનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે તો જાહેરમાં માફી માગી લીધી હતી, પણ IMAના પ્રમુખ ડૉ. આર. વી. અશોકને એક ઇન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટ પર કરેલા નિવેદનના પગલે કોર્ટે તેમને ફટકાર લગાવી હતી. અશોકને સુપ્રીમ કોર્ટની બેન્ચ પર જ સવાલ ઊભો કર્યો હતો તેથી પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણે હવે IMA પર કોર્ટના આદેશની અવમાનનાની અરજી કરી છે. આ મુદ્દે સુનાવણી કરતાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે IMAને ફટકાર લગાવી હતી અને તેથી ગઈ કાલ સુધી કોર્ટમાં પતંજલિ આયુર્વેદને ફટકાર પડતી હતી એ જ કોર્ટમાં હવે પતંજલિ આયુર્વેદને કોર્ટમાં ઘસડી જનારા IMAને ફટકાર પડી રહી હતી. 

કોર્ટમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની બેન્ચે IMAને પૂછ્યું હતું કે અત્યાર સુધી તમે પતંજલિની ભ્રામક જાહેરાતો પર સવાલ ઉઠાવતા હતા, તેમની દવાઓ હટાવવાની માગણી કરતા હતા; પણ તમે પોતે શું કરો છો? આ સમયે IMAના વકીલ પી. એસ. પટવાલિયાએ કહ્યું હતું કે અમે કોર્ટની પ્રશંસા કરીએ છીએ, પણ ડૉ. આર. વી. અશોકને જે સવાલ ઉઠાવ્યો હતો એ મુખ્ય વાત છે, IMAના અધ્યક્ષનો ઇરાદો કોર્ટ વિશે કંઈ ખોટું કહેવાનો નહોતો. જોકે આ સમયે કોર્ટે કહ્યું હતું કે ‘આ મામૂલી વાત નથી, IMAના અધ્યક્ષે એવી બાબત પર વાત કરી હતી કે જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. IMAના વકીલનો જવાબ અમને સંતુષ્ટ કરતો નથી. એ જુઓ કે તેમણે પોતાનું જ નુકસાન કરી લીધું છે. બની શકે કે અમે તમને એક તક આપીએ. કોર્ટ એવી આશા નથી રાખતી કે કોઈ પીઠ પાછળ હુમલો કરે. આ કોર્ટને પણ ટીકાનો સામનો કરવો પડે છે, અમે એના માટે તૈયાર છીએ.’



આ સમયે IMAના વકીલે કહ્યું હતું કે ‘અમને આગલી સુનાવણી સુધી એક મોકો આપો. IMAના અધ્યક્ષ માફી માગે છે. તેમને એ ખબર પડી ગઈ છે કે તેમણે તેમની જીભને કાબૂમાં રાખવી જોઈતી હતી.’

ભ્રામક જાહેરાત માટે સેલિબ્રિટી પણ જવાબદાર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ભ્રામક જાહેરાતોના સંદર્ભમાં એવી ટિપ્પણી કરી હતી કે ‘ભ્રામક જાહેરાતો પ્રચારિત કરનારા સેલિબ્રિટી અને મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ પણ એટલા જ જવાબદાર છે જેટલી એને તૈયાર કરનારી કંપનીઓ છે. જો કોઈ ઉત્પાદનના લઈને જે દાવા કરવામાં આવે છે એ ખોટા હોય તો એનો પ્રચાર કરનારા સેલિબ્રિટી અને ઇન્ફ્લુઅન્સર્સ પણ જવાબદાર છે. ગાઇડલાઇન્સ ફૉર મિસલીડિંગ ઍડ્વર્ટાઇઝમેન્ટના નિયમની ૧૩મી કલમમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત કરનારી સેલિબ્રિટીને સંબંધિત સેવા કે પ્રોડક્ટ વિશે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. એને એ પણ ખબર હોવી જોઈએ કે તે કઈ ચીજનો પ્રચાર કરી રહી છે અને એ કોઈ પણ રીતે નુકસાનકારક છે કે નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 08:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK