કૉન્ગ્રેસ અને ટીએમસી સહિત ૧૯ વિપક્ષોએ જણાવ્યું કે લોકશાહીના આત્માને જ બહાર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે આ નવા બિલ્ડિંગમાં કોઈ મૂલ્ય તેમને જણાતું નથી

નવા સંસદભવનની તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટનના મુદ્દે વિપક્ષો એક થયા છે. કૉન્ગ્રેસ, ડાબેરીઓ અને ટીએમસી સહિત ૧૯ વિપક્ષોએ ગઈ કાલે નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે લોકશાહીના આત્માને જ બહાર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે આ નવા બિલ્ડિંગમાં કોઈ મૂલ્ય તેમને જણાતું નથી.
આ વિપક્ષોએ એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘સંસદભવનનું ઉદ્ઘાટન અત્યંત મહત્ત્વનો પ્રસંગ છે. સરકાર લોકશાહીને જોખમમાં મૂકી રહી હોવાની અમારી માન્યતા અને સરમુખત્યારશાહી રીતે નવા સંસદભવનના ઉદ્ઘાટન થી અમે સંમત ન હોવા છતાં પણ અમે મતભેદો ભુલાવીને આ પ્રસંગમાં હાજર રહેવાના હતા. જોકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંપૂર્ણપણે ઉપેક્ષા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જાતે જ નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય ન ફક્ત સદંતર અપમાન છે, પરંતુ આપણી લોકશાહી પર સીધો હુમલો છે.’
મોદી લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર ૨૮ મેએ નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરશે.
આ પાર્ટીઓએ વધુ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ વિના સંસદ કામગીરી ન કરી શકે. આમ છતાં, વડા પ્રધાને તેમના વિના નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય કર્યો છે. આ અશોભનીય કૃત્યથી રાષ્ટ્રપતિના ઉચ્ચ પદનું અપમાન થાય છે અને બંધારણની ભાવનાનો ભંગ થાય છે. એ સન્માન સાથે બધાને સાથે લઈને ચાલવાની ભાવનાને નબળી પાડે છે, જેના હેઠળ દેશે પોતાના પહેલાં મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.’
સરકાર અને વિપક્ષોની વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલ્યા બાદ બહિષ્કાર કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિપક્ષો માગણી કરી રહ્યા છે કે વડા પ્રધાને નહીં, પરંતુ રાષ્ટ્રપતિએ નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. આ જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં વિપક્ષોએ એમ પણ જણાવ્યું હતું કે ખૂબ જ ખર્ચે નવા સંસદભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ છતાં, એના માટે લોકો કે પછી જેમના માટે એ બાંધવામાં આવ્યું છે એ સંસદસભ્યોની સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી.
રાષ્ટ્રપતિના હસ્તે સંસદભવનનું ઉદ્ઘાટન ન કરાવવું અને ન તો તેમને ફંક્શનમાં બોલાવવાં એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. સંસદ અહંકારની ઈંટોથી નહીં બંધારણીય મૂલ્યોથી બને છે. - રાહુલ ગાંધી, કૉન્ગ્રેસ લીડર
આ પાર્ટીઓએ બહિષ્કાર કર્યો
કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ, ડીએમકે, જનતા દળ (યુનાઇટેડ), આમ આદમી પાર્ટી, સીપીઆઇ-એમ, સીપીઆઇ, સમાજવાદી પાર્ટી, એનસીપી, શિવસેના (યુબીટી), આરજેડી, જેયુએમએલ, જેએમએમ, એનસી, કેસી (એમ), આરએસપી, વીસીકે, એમડીએમકે અને આરએલડી.