આૅપરેશન સિંદૂર પર સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું
રાજનાથ સિંહ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે રાત્રે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું, જે હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને ૯ આતંકવાદી ઠેકાણાંને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યાં હતાં. આ હુમલામાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યાર બાદ ગઈ કાલે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ‘ઑપરેશન સિંદૂર’ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ભારતીય સેનાએ શૌર્ય અને પરાક્રમ સાથે સંયમનો પણ પરિચય આપતાં પાકિસ્તાનનાં અનેક સૈન્ય ઠેકાણાંઓને નષ્ટ કર્યાં છે. આપણે માત્ર બૉર્ડર નજીકનાં સૈન્ય ઠેકાણાંઓ જ નહોતાં નષ્ટ કર્યાં, પરંતુ ભારતની સેનાઓના ધમાકા રાવલપિંડી સુધી સંભળાયા જ્યાં પાકિસ્તાની સેનાનું હેડક્વૉર્ટર આવેલું છે. પાકિસ્તાની સેનાએ સામાન્ય નાગરિકો, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાને નિશાન બનાવ્યાં હતાં.’
ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ ઍરોસ્પેસ ઇન્ટિગ્રેશન ઍન્ડ ટેસ્ટિંગ ફૅસિલિટીનું ઉદ્ઘાટન કરતી વખતે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઑપરેશન હાથ ધરીને આપણે બતાવી દીધું કે ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરી રહ્યું છે. આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિને અનુસરીને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવું ભારત છે જે સરહદની બન્ને બાજુ આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરશે.’


