Odisha: સરકારી એન્જીનિયરની નિવૃત્તિના બે દિવસ પહેલા પડ્યાં દરોડા; ઘરમાંથી બે કરોડ રોકડા મળ્યા; દરોડા દરમિયાન તેણે બારીમાંથી નોટોના બંડલ ફેંકવાનું શરૂ કર્યું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઓડિશા (Odisha)ના પાટનગર ભુવનેશ્વર (Bhubaneswar)માં જ્યારે વિજિલન્સ વિભાગ (Vigilance Department)એ રાજ્ય સરકારના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી (Baikuntha Nath Sarangi)ના નિવાસસ્થાન સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા ત્યારે ખળભળાટ મચી ગયો. આ દરમિયાન થયેલી રિકવરી અત્યંત ચોંકાવનારી હતી. અહીંથી રુપિયા ૨.૧ કરોડથી વધુની રોકડ પ્રાપ્ત થઈ છે. આ દરોડા અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકાના આધારે પાડવામાં આવ્યા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર, શ્રી સારંગીએ જાહેર કરેલી સંપત્તિ અને તેમની વાસ્તવિક આવક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો.
આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના આરોપસર, ભુવનેશ્વર ગ્રામીણ વિકાસ વિભાગ (Bhubaneswar Rural Development Department)ના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના અંગુલ (Angul) સ્થિત નિવાસસ્થાન સહિત ચાર સ્થળોએ અને રાજ્યના અન્ય ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. અંગુલ, પુરી (Puri), કટક (Cuttack) અને ધેંકનાલ (Dhenkanal)ના વિજિલન્સ વિભાગો દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિજિલન્સ ટીમે મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના ઘરેથી બે કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ઇજનેર વૈકુંઠનાથ સારંગીના અંગુલ સ્થિત તેમના ઘરેથી ૯૦ લાખ રૂપિયા અને રાજધાનીમાં તેમના નિવાસસ્થાનથી ૧.૧૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
માહિતી અનુસાર, અંગુલના વિજિલન્સના સ્પેશિયલ જજ દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટના આધારે, ઓડિશા વિજિલન્સ (Odisha Vigilance) દ્વારા ઓડિશા વિજિલન્સ વિભાગ (Odisha Vigilance Department)ના નેતૃત્વ હેઠળ ૮ DSP, ૧૨ ઇન્સ્પેક્ટર, ૬ ASI અને અન્ય સહાયક સ્ટાફની ટીમ દ્વારા અંગુલ, ભુવનેશ્વર, પીપિલી (પુરી)માં સાત સ્થળોએ એક સાથે ઘરોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશનમાં વિજિલન્સની સાત ટીમો સામેલ હતી અને ૫૦થી વધુ અધિકારીઓ હાજર હતા.
મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી બે દિવસ પછી નિવૃત્ત થવાના હતા. જ્યારે ઇજનેરનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા, ત્યારે વિજિલન્સ અધિકારીઓ પહોંચ્યા ત્યારે સારંગીએ રોકડના બંડલોને તેમના ફ્લેટની બારીમાંથી ફેંકીને નાશ કરવાનો પ્રયાસ કર્યો. બાદમાં સાક્ષીઓની હાજરીમાં બંડલો મળી આવ્યા. જ્યારે વિજિલન્સ અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે વૈકુંઠનાથ સારંગી ગભરાઈ ગયા અને તેમણે રોકડના બંડલ તેમના ફ્લેટની બારીમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો. આ કૃત્યથી અધિકારીઓ વધુ સતર્ક થઈ ગયા અને તરત જ સમગ્ર વિસ્તારમાં દેખરેખ વધારી દેવામાં આવી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંડલ જમીન પર પડ્યા પછી ગણતરી કરવામાં આવી અને બેગમાં પેક કરીને લઈ જવામાં આવ્યા.
વિભાગના જણાવ્યા અનુસાર, ઇજનેર વૈકુંઠનાથ સારંગીને ત્યાં દરોડામાં તપાસ દરમિયાન અત્યાર સુધી જે સંપત્તિ મળી આવી છે તે આ મુજબ છે: ૨.૧ કરોડ રોકડા, મોંઘા ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર; કિંમતી ઘરેણાં; જમીન અને ફ્લેટ સંબંધિત દસ્તાવેજો; અનેક બેંક ખાતાઓ અને લોકર વિશે માહિતી મળી છે.
હવે આ રોકડની કાયદેસરતાની તપાસ કરવામાં આવી રહી છે અને વૈકુંઠનાથ સારંગી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવા, ભ્રષ્ટાચાર અને સરકારી સંસાધનોના દુરુપયોગ સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. સારંગીને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી, પરંતુ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિગતવાર પૂછપરછ માટે તેમને સમન્સ જારી કરવામાં આવ્યા છે.


