ડાન્સબાર પર પ્રતિબંધ મુકાયાનાં ૨૦ વર્ષ બાદ ખુદ ગૃહરાજ્યપ્રધાને ગેરકાયદે ચાલી રહેલા બાર વિરુદ્ધ કાર્યવાહી કરી
ગૃહરાજ્યપ્રધાન યોગેશ કદમે વાશીના બારમાં પહોંચીને કાર્યવાહી કરી હતી.
મહારાષ્ટ્રમાં ૨૦૦૫ની ૧૫ ઑગસ્ટે તત્કાલીન દિવંગત ગૃહપ્રધાન આર. આર. પાટીલે મહારાષ્ટ્રમાં ડાન્સબાર પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં કેટલીક જગ્યાએ હજી પણ ગેરકાયદે ડાન્સબાર ચાલી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે, પણ પોલીસ કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહી હોવાની માહિતી મહારાષ્ટ્રના ગૃહરાજ્યપ્રધાન યોગેશ કદમને મંગળવારે મળી હતી. આથી મંગળવારે રાત્રે નવી મુંબઈના વાશીમાં આવેલા ધ રેસ નામના ડાન્સબારમાં યોગેશ કદમે દરોડો પાડ્યો હતો. ગૃહરાજ્યપ્રધાન બારમાં પહોંચ્યા ત્યારે તેમને બારમાં ટૂંકાં વસ્ત્રો પહેલી બારગર્લ અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી હતી. ૪૦ બારગર્લ અને ૬ વેઇટર સામે નવી મુંબઈના APMC પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડાન્સબારમાં જવાથી યુવાનો બરબાદ થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં ૨૦ વર્ષ પહેલાં કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની સરકારના ગૃહપ્રધાન આર. આર. પાટીલે રાજ્યમાં ડાન્સબાર પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રતિબંધ મુકાવાનાં બરાબર ૨૦ વર્ષ પછી દરોડા બાદ યોગેશ કદમે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે ડાન્સબાર ચાલી રહ્યા હોય તો એ તાત્કાલિક બંધ કરો. બારમાલિકો નિયમનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.’
ધ રેસ બારમાં ગૃહરાજ્યપ્રધાને દરોડો પાડવાથી APMC પોલીસની ફજેતી થઈ છે અને આ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ કાર્યવાહી ન કરવા બદલ સવાલ ઊભા થયા છે.


