News in Shorts: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ડિવાઇડર સાથેની ટક્કર પછી કન્ટેનરમાં લાગી આગ; તેલુગુ ચૅનલ પર લાઇવ ડિબેટમાં BJP-કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે દે ધનાધન અને વધુ સમાચાર
અમિત શાહે ભુજમાં BSFનો ૬૧મો સ્થાપના-દિવસ ઊજવ્યો
BSFનો ૬૧મો સ્થાપના-દિવસ અમિત શાહે ભુજમાં ઊજવ્યો

ADVERTISEMENT
ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે ભુજમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના ૬૧મા સ્થાપના-દિવસની ઉજવણી BSFના જવાનો સાથે કરી હતી. તેમણે BSFની સ્મૃતિમાં પોસ્ટેજ સ્ટૅમ્પ બહાર પાડી હતી. તેમણે કહ્યું હતું કે સીમાની સુરક્ષા હોય કે પછી ઍન્ટિ-ટેરર અભિયાન કે કુદરતી આફતોનું રાહતકાર્ય; BSFના જવાનોએ હંમેશાં શૌર્ય અને પરાક્રમની મિસાલ રજૂ કરી છે. અમિત શાહે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાની સાથે વીરોને સન્માન પણ આપ્યું હતું.
ડિવાઇડર સાથેની ટક્કર પછી કન્ટેનરમાં લાગી આગ, ડ્રાઇવર જીવતો સળગી ગયો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં માંસ ભરેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવથી માંસ ભરીને RJ 32 GE 0311 નંબરનું કન્ટેનર મુંબઈ તરફ જઈ રહ્યું હતું ત્યારે એક્સપ્રેસવે પર દૌસા નજીક રાહુવાસ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને થાંભલા નંબર ૨૦૯ પાસે બોર્ડ સાથે અથડાયું હતું. આ અકસ્માતને કારણે કન્ટેનર પલટી ગયું હતું અને વિસ્ફોટ થયો હતો અને ક્ષણભરમાં એમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી તીવ્ર હતી કે કન્ટેનરનો ડ્રાઇવર આકાશ જીવતો બળી ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે ડ્રાઇવર ઊંઘી ગયો હશે અથવા તેણે કાબૂ ગુમાવ્યો હશે.
તેલુગુ ચૅનલ પર લાઇવ ડિબેટમાં BJP-કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે દે ધનાધન

એક તેલુગુ ન્યુઝ-ચૅનલ પર ચાલી રહેલી રાજકીય ચર્ચા વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસના પ્રવક્તાઓ લાઇવ ટીવી પર મારામારીમાં ઊતર્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે પહેલાં ઉગ્ર દલીલબાજી શરૂ થઈ હતી અને બાદમાં કૉન્ગ્રેસના પ્રવક્તાએ ટેબલ પર હાથ પછાડતાં તેઓ એકમેકને ધક્કો મારવા પર અને મુક્કાબાજી પર ઊતરી આવ્યા હતા. તેમણે એકબીજાને સ્ટુડિયોની અંદર ધક્કો પણ માર્યો હતો અને તેમને આમ કરતાં રોકવા માટે અન્ય પૅનલિસ્ટ અને સ્ટાફે દરમ્યાનગીરી કરી હતી. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના પ્રવક્તાએ પરિસ્થિતિને શાંત કરવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ બન્નેને અલગ કરવામાં સફળ થયા હતા. તેલુગુ ન્યુઝ-ચૅનલ યો યો ટીવી પર ૧૮ નવેમ્બરે સાંજે ૭.૪૫ વાગ્યે બનેલી આ ઘટના હવે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
મુંબ્રા ટ્રેન-દુર્ઘટનાના આરોપી એન્જિનિયરોની ૯ ડિસેમ્બર સુધી ધરપકડ ન કરવા હાઈ કોર્ટનો નિર્દેશ
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે મુંબ્રા ટ્રેન-દુર્ઘટનાના આરોપી એન્જિનિયરોને રાહત આપી હતી. પાંચ લોકોનો જીવ લેનારી એ દુર્ઘટનાના કેસમાં સેન્ટ્રલ રેલવેના બે આરોપી એન્જિનિયરોને હાઈ કોર્ટે અરેસ્ટ સામે વચગાળાનું પ્રોટેક્શન આપ્યું હતું. હાઈ કોર્ટની બેન્ચે પોલીસને ૯ ડિસેમ્બર સુધી બન્ને આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. ત્યારે હાઈ કોર્ટમાં આરોપીઓના આગોતરા જામીન માટેની અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં થાણેની સેશન્સ કોર્ટે આરોપીઓની જામીનઅરજીઓ ફગાવી દીધી હતી એટલે બન્ને હાઈ કોર્ટમાં ગયા હતા.
સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ

સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળમાં જીવ ગુમાવનારા શહીદોને ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ગઈ કાલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ફોર્ટના હુતાત્મા ચોક ખાતેના સ્મારક પર તેમણે ફૂલો અર્પણ કરી એને નમસ્કાર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢા, વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આજનો દિવસ હુતાત્માઓને વંદન કરવાનો છે. તેમણે શહીદી વહોરી એટલે આપણે આજનો દિવસ જોઈ શક્યા છીએ. તેમના બલિદાનને કારણે આજે મુંબઈ મહારાષ્ટ્રમાં છે. એથી અમે મહારાષ્ટ્રનો વિકાસ કરવાની પૂરતી કોશિશ કરીએ છીએ. અમે માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ વધારી રહ્યા છીએ. છેલ્લાં સાડાત્રણ વર્ષથી અમે વિકાસ માટેના બનતા બધા જ પ્રયાસો કરી રહ્યા છીએ.’


