મૉડ્યુલમાં ઑપરેશન સિંદૂરને માત્ર લશ્કરી કાર્યવાહી નહીં પરંતુ ‘શાંતિનું રક્ષણ અને શહીદ થયેલા લોકોનું સન્માન કરવાનું વચન’ તરીકે વર્ણવવામાં આવ્યું છે.
ઑપરેશન સિંદૂર વિશે NCERTનાં પુસ્તકોમાં શીખવવામાં આવશે
નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)એ ઑપરેશન સિંદૂર પર એક ખાસ મૉડ્યુલ બહાર પાડ્યું છે. આ રીતે એને હવે NCERTના અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યું છે. ૩થી ૧૨ ધોરણ સુધીનાં પુસ્તકોમાં ઑપરેશન સિંદૂર વિશે શીખવવામાં આવશે. આ મૉડ્યુલમાં એવું કહેવામાં આવ્યું છે કે ઑપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી, બલકે એ શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઑપરેશન પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઑપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી એને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.
આ નવા અભ્યાસક્રમમાં ‘ઑપરેશન સિંદૂર - અ સાગા ઑફ વૅલર’ ૩થી ૮ ધોરણ સુધી શીખવવામાં આવશે, જ્યારે ‘ઑપરેશન સિંદૂર - અ મિશન ઑફ આૅનર ઍન્ડ બ્રેવરી’ ૯થી ૧૨ ધોરણ સુધી શીખવવામાં આવશે. મૉડ્યુલમાં ઑપરેશન સિંદૂરને માત્ર લશ્કરી કાર્યવાહી નહીં પરંતુ ‘શાંતિનું રક્ષણ અને શહીદ થયેલા લોકોનું સન્માન કરવાનું વચન’ તરીકે વર્ણવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શું છે આ મૉડ્યુલમાં?
આ નવા મૉડ્યુલમાં જણાવવામાં આવ્યું છે કે ભલે પાકિસ્તાને પહલગામ આતંકવાદી હુમલામાં એની સંડોવણીનો જાહેરમાં ઇનકાર કર્યો હોય, પરંતુ આ હુમલાનો સીધો આદેશ એના લશ્કરી અને રાજકીય નેતૃત્વ દ્વારા આપવામાં આવ્યો હતો એમ જણાવવામાં આવ્યું છે. આ મૉડ્યુલમાં ઑપરેશન સિંદૂરને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. આ હુમલાઓમાં કોઈ નાગરિકને નુકસાન થયું નથી, એ દરમ્યાન ફક્ત આતંકવાદીઓને જ નુકસાન થયું હતું. ઑપરેશન સિંદૂર એ સંકેત હતો કે ભારત કોઈ પણ સંજોગોમાં આતંકવાદીઓને છોડશે નહીં.
આ સાથે NCERTના નવા મૉડ્યુલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હૈદરાબાદ, લખનઉ અને ભોપાલમાં મુસ્લિમ સમુદાયોએ કાળી પટ્ટી પહેરીને પહલગામ હુમલાની ખુલ્લેઆમ ટીકા કરી હતી, જ્યારે કાશ્મીરમાં લોકોએ હુમલાના વિરોધમાં દુકાનો બંધ રાખી હતી. એ ઉપરાંત સરહદ નજીકનાં ગામડાંઓએ ખુલ્લેઆમ સશસ્ત્ર દળોને ટેકો આપ્યો હતો.


