Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી: કોરોનાકાળની જેમ આપણે ફરીથી ધીરજ અને સંયમ સાથે એક થઈને આ પડકારનો સામનો કરવાનો છે

નરેન્દ્ર મોદી: કોરોનાકાળની જેમ આપણે ફરીથી ધીરજ અને સંયમ સાથે એક થઈને આ પડકારનો સામનો કરવાનો છે

Published : 24 March, 2026 07:15 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદી વેસ્ટ એશિયાની ક્રાઇસિસ વિશે પહેલી વાર લોકસભામાં બોલ્યા

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લોકસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વેસ્ટ એશિયામાં નિર્માણ થયેલી પરિસ્થિતિ વિશે વાત કરી હતી. આ રહ્યા એના અંશ...
હું સન્માનિત સદનમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને એને કારણે ભારત સામે આવેલા પડકારો પર વાત રાખવા માટે ઉપસ્થિત થયો છું. આ સમયે પશ્ચિમ એશિયાની હાલત ચિંતાજનક છે. હવે આ સંકટને ૩ અઠવાડિયાંથી વધુ સમય થઈ રહ્યો છે. આની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર અને લોકોના જીવન પર ખૂબ વિપરીત અસર થઈ રહી છે એથી આખી દુનિયા આ સંકટના વહેલામાં વહેલી તકે સમાધાન માટે તમામ પક્ષોને આગ્રહ પણ કરી રહી છે.

ભારત સામે પણ આ યુદ્ધે અણધાર્યા પડકાર ઊભા કરી દીધા છે. આ પડકારો આર્થિક છે, નૅશનલ સિક્યૉરિટી સાથે જોડાયેલા છે અને માનવીય પણ છે. યુદ્ધરત અને યુદ્ધથી પ્રભાવિત દેશો સાથે ભારતના વ્યાપક વ્યાપારી સંબંધો છે. જે ક્ષેત્રમાં યુદ્ધ થઈ રહ્યું છે એ દુનિયાના બીજા દેશો સાથે આપણા વ્યાપારનો પણ એક મહત્ત્વપૂર્ણ રસ્તો છે. વિશેષ રૂપે કાચા તેલ અને ગૅસની આપણી જરૂરિયાતનો એક મોટો ભાગ આ જ ક્ષેત્ર પૂરો કરે છે. આપણા માટે આ ક્ષેત્ર એક બીજા કારણથી પણ મહત્ત્વપૂર્ણ છે. લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. ત્યાં દરિયામાં જે કમર્શિયલ શિપ ચાલે છે એમાં ભારતીય ક્રૂ-મેમ્બરની સંખ્યા પણ ખૂબ વધારે છે. આવાં અલગ-અલગ કારણોને લીધે ભારતની ચિંતા સ્વાભાવિક રીતે વધુ છે એથી એ આવશ્યક છે કે ભારતની સંસદમાંથી આ સંકટને લઈને એકમત અને એકજૂટ અવાજ દુનિયામાં જાય.



સંકટની સ્થિતિમાં દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા આપણી બહુ મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ૩ લાખ ૭૫ હજારથી વધુ ભારતીયો સુરક્ષિત ભારત પાછા આવી ચૂક્યા છે. ઈરાનથી અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ ભારતીયો સુરક્ષિત પાછા ફર્યા છે. આમાં ૭૦૦થી વધુ મેડિકલનો અભ્યાસ કરનારા યુવકો છે. ખાડી દેશોમાં, ભારતીય સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આવી તમામ ભારતીય સ્કૂલોમાં યોજાનારી દસમા અને બારમાની નિર્ધારિત પરીક્ષાઓ રદ કરી છે. આ બાળકોનો અભ્યાસ અવિરત ચાલતો રહે એ માટે CBSE યોગ્ય પગલાં ઉઠાવી રહી છે. એટલે કે સરકાર સંવેદનશીલ છે, સતર્ક છે અને દરેક સહાય માટે તત્પર પણ છે.


ભારતમાં મોટી માત્રામાં કાચું તેલ, ગૅસ અને ફર્ટિલાઇઝર જેવી અનેક જરૂરી ચીજો હોર્મુઝ સ્ટ્રેટના રસ્તેથી આવે છે. યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ખૂબ પડકારજનક બની ગઈ છે છતાં અમારી સરકારનો એ પ્રયાસ રહ્યો છે કે પેટ્રોલ, ડીઝલ અને ગૅસનો પુરવઠો બહુ વધારે પ્રભાવિત ન થાય. દેશના સામાન્ય પરિવારોને પણ ઓછામાં ઓછી પરેશાની થાય એના પર અમારું ફોકસ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ પોતાની જરૂરિયાતના ૬૦ ટકા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) આયાત કરે છે અને એની સપ્લાયમાં અનિશ્ચિતતાને કારણે સરકારે LPGના ડોમેસ્ટિક ઉપયોગને પ્રાથમિકતા આપી છે અને સાથે જ LPGનું દેશમાં જ ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય સમગ્ર દેશમાં સુચારુ રીતે થતી રહે એના પર પણ સતત કામ કરવામાં આવ્યું છે.

વીતેલા દાયકામાં ભારતે સંકટના આવા જ સમય માટે કાચા તેલના સંગ્રહને પણ પ્રાથમિકતા આપી છે. આજે ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટનથી વધુનો સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને ૬૫ લાખ મેટ્રિક ટનથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર દેશ કામ કરી રહ્યો છે. આપણી તેલ-કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે એ અલગ છે. વીતેલાં ૧૧ વર્ષોમાં આપણી રિફાઇનિંગ કૅપેસિટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.


આ યુદ્ધને કારણે દુનિયામાં જે કઠિન પરિસ્થિતિઓ બની છે એનો પ્રભાવ લાંબા સમય સુધી જળવાઈ રહેવાની આશંકા છે એથી આપણે તૈયાર રહેવું પડશે, આપણે એકજૂટ રહેવું પડશે. આપણે કોરોનાના સમયે પણ એકજૂટ થઈ આવા પડકારનો સામનો કરી ચૂક્યા છીએ. હવે આપણે ફરીથી એ જ રીતે તૈયાર રહેવાની આવશ્યકતા છે. ધીરજ સાથે, સંયમ સાથે, શાંત મનથી આપણે દરેક પડકારનો મુકાબલો કરવાનો છે અને એ જ આપણી ઓળખ છે, એ જ આપણી તાકાત છે. હા, આપણે બહુ સાવધાન અને સતર્ક રહેવાનું છે. હાલતનો ફાયદો ઉઠાવનારા જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરશે. આવા લોકોની કોશિશને સફળ થવા દેવાની નથી. હું દેશની તમામ રાજ્ય સરકારોને પણ આ સદનના માધ્યમથી આગ્રહ કરીશ કે આવા સમયે કાળાબજાર કરનારાઓ અને સંગ્રહખોરી કરનારાઓ ઍક્ટિવ થઈ જાય છે. એને માટે કડક મૉનિટરિંગ જરૂરી છે. જ્યાંથી પણ આવી ફરિયાદો આવે છે ત્યાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. દેશની દરેક સરકાર અને દેશનો દરેક નાગરિક જ્યારે મળીને ચાલશે તો જ આપણે દરેક પડકારને પડકાર આપી શકીએ છીએ. 

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 07:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK