વારંવાર બાથરૂમ જવું પડતું હોવાથી કૅરટેકરે જ મહિલાને પલંગ સાથે બાંધીને ઝાડુથી ફટકારી
પ્રતીકાત્મક તસવીર
ગોરાઈમાં સાંઈ સિનિયર કૅર ફાઉન્ડેશનમાં કૅરટેકરે જ ૭૫ વર્ષનાં સિનિયર સિટિઝનના હાથ બાંધીને ઝાડુથી ઢોરમાર માર્યો હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. કૅરટેકરની ધમકીથી ડરી ગયેલી મહિલાએ આ વાત જાહેર કરી નહોતી. જોકે મહિલા પોલીસ-અધિકારીએ ટીમ સાથે આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ૩૦ વર્ષની કૅરટેકર મહિલાની અટકાયત કરી છે.
FIR મુજબ ફરિયાદી વિશાલી અજવેલકર નિવૃત્ત મહિલા છે. તેમના પતિનું ૨૬ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમને એક દીકરી અને બે દીકરા છે. તેઓ છેલ્લા ૬ મહિનાથી કૅરટેકર હોમમાં રહેતાં હતાં. ૧૧ માર્ચે સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે મહિલાને વારંવાર પેશાબ માટે જવું પડતું હતું ત્યારે કૅરટેકરે તેને વારંવાર મદદ કરવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ મહિલા સૂઈ ગઈ ત્યારે તેના હાથ પલંગ સાથે બાંધી દીધા હતા અને બાદમાં તેને ઝાડુથી માર માર્યો હતો. કૅરટેકરે પીડિતાને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરશે તો તેને વધારે મારશે. ધમકીથી ગભરાઈને પીડિત મહિલાએ કોઈને આ વિશે જણાવ્યું નહોતું.
ADVERTISEMENT
૨૦ માર્ચે એક મહિલા પોલીસ-અધિકારી સાથે એક ટીમે કૅરહોમની મુલાકાત લીધી. એ સમયે પૂછપરછ દરમ્યાન સિનિયર સિટિઝન મહિલાએ આપવીતી જણાવી હતી. ત્યાર બાદ તેમણે બોરીવલી-પોલીસમાં ફરિયાદ નોંધાવી. એના આધારે પોલીસે કૅરટેકરને પૂછપરછ માટે અટકાયતમાં લીધી હતી.
