સિખ સમુદાયના પ્રતિનિધિએ પોલીસ-ફરિયાદ કરીને આરોપ લગાવ્યો કે ધુરંધર : ધ રિવેન્જનાં કેટલાંક દૃશ્યો અને સામગ્રી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે
પરંપરાગત સિખ લુકમાં રણવીર સિંહ
રણવીર સિંહ-સ્ટારર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને લઈને વધુ એક વિવાદ થયો છે. મુંબઈના સિખ સંગઠને ફિલ્મના પોસ્ટર અને એક ખાસ દૃશ્ય સામે આક્ષેપ કરીને પોલીસ-ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મહારાષ્ટ્રના સિખ સમુદાયના પ્રતિનિધિ સરદાર ગુરજ્યોત સિંહ કિરે નોંધાવી છે. સંગઠનનું કહેવું છે કે ફિલ્મનાં કેટલાંક દૃશ્યો અને સામગ્રી સિખ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
સંગઠનને મુખ્ય વાંધો ફિલ્મના એ પોસ્ટરને લઈને છે જેમાં રણવીરને પાઘડી, દાઢી અને કડા સાથેના પરંપરાગત સિખ પોશાકમાં હાથમાં સિગારેટ સાથે દેખાડવામાં આવ્યો છે. ફરિયાદ કરનારના જણાવ્યા મુજબ આ ધાર્મિક પ્રતીકોનું સિખ ધર્મમાં વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ છે અને એની સાથે ધૂમ્રપાન દર્શાવવું પણ અપમાનજનક છે.
ADVERTISEMENT
મીડિયા સાથેની વાતચીતમાં સરદાર ગુરજ્યોત સિંહ કિરે જણાવ્યું હતું કે પોસ્ટર જાહેર થતાં જ અમે ફરિયાદ નોંધાવી હતી અને બાબત સહનશક્તિની બહાર છે તથા સિખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
આર.માધવનના સીન સામે પણ વાંધો

પોસ્ટર સિવાય આ પોલીસ-ફરિયાદમાં આર. માધવન સાથે જોડાયેલા એક દૃશ્ય પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એ દૃશ્યમાં આર. માધવન સ્મોકિંગ કરતાં-કરતાં ગુરબાનીની પંક્તિ બોલતો જોવા મળે છે. આ પંક્તિ ગુરુ ગોવિંદ સિંહ સાથે જોડાયેલી છે અને એને દસમ ગ્રંથનો ભાગ માનવામાં આવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુરજ્યોત સિંહ કિરે જણાવ્યું હતું કે ‘ધૂમ્રપાન સાથે ગુરબાનીનું પઠન કરવું અમારા ધર્મનું અપમાન છે અને આવાં દૃશ્યો સ્વીકાર્ય નથી. સંગઠને માગણી કરી છે કે આ વિવાદિત પોસ્ટર તરત જ હટાવવામાં આવે અને ફિલ્મમાંથી એ દૃશ્યને કાઢી નાખવામાં આવે.’
