ટેક્નિકલ ખામીના ચોક્કસ સ્વરૂપ વિશે વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નહોતી.
ટેક્નિકલ ખામીને કારણે અટકી ગયેલી મેટ્રોમાં ડિલે થવાને કારણે પ્રવાસીઓની માફી માગતો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
મુંબઈ મેટ્રો 3 પરના મુસાફરોને ગઈ કાલે ટેક્નિકલ સમસ્યાને કારણે પીક અવર્સમાં લગભગ ૨૦ મિનિટ સુધી સર્વિસ બંધ રહેવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. MIDC સ્ટેશન પાસે મેટ્રોમાં સવારે ૮.૪૦થી ૮.૫૭ વાગ્યા સુધી એના દરવાજા ખુલ્લા જ રહ્યા હતા, એના કારણે કોચની અંદર મૂંઝવણ ઊભી થઈ હતી. સ્ટૉપ થયાની થોડી મિનિટોમાં એક જાહેરાત દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવી કે ટેક્નિકલ સમસ્યાને કારણે ટ્રેન બંધ કરવામાં આવી છે. સાથે જ લોકોને ડિલે થવાને કારણે પડતી હાલાકી બદલ માફી પણ માગવામાં આવી હતી.
ટેક્નિકલ સમસ્યાને કારણે આ અવરોધ થયો હોવાનું કહેવાય છે. બન્ને દિશાઓ એક જ લાઇન પર કાર્યરત હોવાથી બન્ને બાજુની અવરજવરને અસર થઈ હતી. એને કારણે સમગ્ર લાઇન થોડી વાર માટે સ્થગિત થઈ ગઈ હતી. લગભગ ૨૦ મિનિટ સુધી રોકાયા પછી દરવાજા આખરે બંધ થઈ ગયા અને ટ્રેન ફરી શરૂ થઈ હતી. જોકે શરૂઆતમાં ધીમી ગતિએ દોડી હતી. ટેક્નિકલ ખામીના ચોક્કસ સ્વરૂપ વિશે વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નહોતી.
