ઇન્દિરા સતત ૪૦૭૭ દિવસ વડાં પ્રધાન હતાં, શુક્રવારે મોદીનો આ પદે ૪૦૭૮મો દિવસ હતો : જવાહરલાલ નેહરુ ૧૬ વર્ષ ૨૮૬ દિવસના કાર્યકાળ સાથે પહેલા નંબરે
નરેન્દ્ર મોદી, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સતત ૪૦૭૮ દિવસનો કાર્યકાળ પૂરો કરીને ઇન્દિરા ગાંધીનો રેકૉર્ડ તોડ્યો હતો. ઇન્દિરા ગાંધી ૧૯૬૬ની ૨૪ જાન્યુઆરીથી ૧૯૭૭ની ૨૪ માર્ચ સુધી સતત ૪૦૭૭ દિવસ વડા પ્રધાનપદે કાર્યરત રહ્યાં હતાં. જવાહરલાલ નેહરુ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટથી ૧૯૬૪ની ૨૭ મે સુધી ૧૬ વર્ષ ૨૮૬ દિવસ સુધી વડા પ્રધાનપદ સંભાળીને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન રહ્યા છે.
જવાહરલાલ નેહરુ પછી બીજા ક્રમે સૌથી વધુ સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવાના ઇન્દિરા ગાંધીના રેકૉર્ડને તોડવા ઉપરાંત નરેન્દ્ર મોદી અનેક ઐતિહાસિક વિશિષ્ટતાઓ ધરાવે છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડા પ્રધાન છે, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિનકૉન્ગ્રેસી વડા પ્રધાન છે અને બિનહિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન છે.
નરેન્દ્ર મોદી પ્રથમ અને એકમાત્ર બિનકૉન્ગ્રેસી નેતા પણ છે જેમણે સતત બે કાર્યકાળ પૂરા કર્યા છે અને બહુમતી સાથે બે વાર ફરીથી ચૂંટાયા છે, જેને કારણે તેઓ લોકસભામાં પોતાના દમ પર બહુમતી મેળવનારા એકમાત્ર બિનકૉન્ગ્રેસી નેતા છે.
નરેન્દ્ર મોદી ૧૯૭૧માં ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરનારા પ્રથમ વર્તમાન વડા પ્રધાન પણ છે. નેહરુ ઉપરાંત નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમણે કોઈ પક્ષના નેતા તરીકે સતત ત્રણ ચૂંટણીઓ જીતી છે. દેશના તમામ વડા પ્રધાનો અને મુખ્ય પ્રધાનોમાં તેઓ એક પક્ષના નેતા તરીકે સતત છ ચૂંટણીઓ જીતનારા એકમાત્ર વડા પ્રધાન છે.
નરેન્દ્ર મોદીએ પહેલી વાર ૨૦૦૨માં ગુજરાતમાં ચૂંટણી જીતી હતી અને ત્યાર બાદ ૨૦૦૭ અને ૨૦૧૨માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જીતી હતી. ૨૦૧૪માં તેમણે પહેલી વાર વારાણસીથી લોકસભાની ચૂંટણી જીતી હતી અને ભારતના વડા પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ શરૂ કર્યો હતો. નરેન્દ્ર મોદી ૨૦૧૯માં અને ૨૦૨૪માં ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા.


