અયોધ્યામાં મસ્જિદનો પ્લાન ડેવલપમેન્ટ ઑથોરિટીએ રિજેક્ટ કરી દીધો છે ત્યારે BJPના નેતા વિનય કટિયારનું સ્ફોટક નિવેદન
વિનય કટિયાર
સુપ્રીમ કોર્ટના આદેશ પર ફાળવાયેલી જમીન પર બાબરી મસ્જિદને બદલે નવી મસ્જિદ ધન્નીપુરમાં બનવાની છે અને એ પહેલેથી વિવાદોમાં છે. એવામાં BJPના નેતા અને રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા વિનય કટિયારના એક વિધાને બબાલ ઊભી કરી દીધી છે. બુધવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે કહી દીધું હતું કે ‘મુસ્લિમોએ જલદીથી અયોધ્યા જિલ્લો છોડી દેવો જોઈએ. આ પવિત્ર મંદિર નગરીમાં કોઈ પણ મસ્જિદના નિર્માણની અનુમતિ નહીં આપવામાં આવે.’
આ વિધાન એટલા માટે પણ વધુ સંવેદનશીલ છે કેમ કે તાજેતરમાં અયોધ્યાના ધન્નીપુરમાં બનનારી મસ્જિદ માટે ડેવલપમેન્ટ ઑથોરિટીનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ ન મળવાથી મસ્જિદના પ્લાનને રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ધન્નીપુરમાં બનનારી બાબરી મસ્જિદનો પ્લાન છેલ્લાં છ વર્ષથી હજી અપ્રૂવ નથી થયો. સ્થાનિક પ્રશાસને ડેવલપમેન્ટ ઑથોરિટીનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ ન હોવાને કારણે પ્લાન રિજેક્ટ કર્યો છે. એ મામલે વિનય કટિયારે કહ્યું હતું કે ‘અયોધ્યામાં બાબરી મસ્જિદને બદલે અન્ય કોઈ મસ્જિદનું નિર્માણ નહીં થાય. મુસ્લિમોને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે આ જિલ્લો ખાલી કરીને સરયૂ નદીને પેલે પાર જતા રહેવું જોઈએ.’
આટલું ઓછું હોય એમ વિનય કટિયારે ઘી ઉમેરતાં કહ્યું હતું કે મુસ્લિમોને અયોધ્યામાંથી બહાર હાંક્યા પછી હું પૂરા ઉત્સાહથી દિવાળી મનાવીશ. વિનય કટિયારના આ વિધાન પર અયોધ્યાના સંસદસભ્ય અવધેશ પ્રસાદે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘વિનય કટિયારનું મગજ નબળું પડી ગયું છે. આ દેશ કોઈ એક ધર્મનો નથી પણ બધા જ ધર્મના લોકોનો છે. તેમણે આવી બયાનબાજી પર બીજી વાર વિચાર કરવો જોઈએ. આ વિધાન સાંપ્રદાયિક સૌહાર્દથી વિરુદ્ધનું છે.’


